દરબાર જ્ઞાતિના લગ્ન સમારંભોમાં હવે ગોળીબાર કરવામાં નહિ આવે

Files Photo
અમદાવાદ, અનેક દરબાર પરીવારોમાં લગ્ન સમારંભો માટે એવુ કહેવાય છે કે જ્યાં સુધી શસ્ત્રોનું પ્રદર્શન ન થાય, ઢોલક વગાડનારા પર નોટોનો વરસાદ ન વરસે અથવા તો જ્યાં સુધી દારૂ પીરસવામાં ન આવે ત્યાં સુધી આવા સમારંભો અધુરા રહે છે. વર્ષોથી અનેક દરબારોના પરિવારો આ પરંપરાને અનુસરી રહ્યા છે. શસ્ત્રોનું પ્રદર્શન કરતી વેળાએ અમુક વખતે અમુક લોકોના જીવ પણ ગયા છે પરંતુ હવે પરિવર્તન પવન ફુંકાયો છે અને આ પરંપરાઓ નાબુદ કરવાનો નિર્ણય લીધો છે.
તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધંધુકાના ચીર ગામે તથા ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દરબાર જ્ઞાતિના આગેવાનોની એક બેઠક મળી હતી અને તેમા લગ્નના વરઘોડામાં ફાયરીંગ કરવા, નોટો ઉડાડવા, પ્રતિબંધીત પીણાનો ઉપયોગ બંધ કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.
આ અંગે ચીર ગામના આગેવાન મહેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે લગ્નના વરઘોડામાં અમુક વખત પીધેલા લોકો દ્વારા બંધુકમાથી ભડાકા કરવામાં આવતા હોય છે. આવા વખતે મીસફાયરીંગ થઈ જતા લોકોના મોત થઈ રહ્યા છે. જે ચિંતાની બાબત છે તેથી અમે આ પ્રકારની બાબતોને હવે કેન્સલ કરવાનું નક્કી કર્યુ છે.
અમદાવાદ જિલ્લાના ચીર ગામમાં મોટા ભાગે ચુડાસમા અટકધારીઓ કે જે દરબારોની પેટા જ્ઞાતિ કહેવાય છે તે રહે છે. આ નિર્ણયની અસર આજુબાજુના ચુડાસમા અટકધારી લોકોનું પ્રભુત્વવાળા ૫૨ જેટલા ગામોમાં જોવા મળશે. શુભ શરૂઆત કરતા ધંધુકાના ચુડાસમા અટકવાળા લોકો અને તળાજાના સરવૈયા અટક ધરાવતા લોકોએ આ પ્રકારના રીવાજો અપનાવતા લોકો ઉપર રૂ. ૨૫૦૦૦નો દંડ ફટકારવાનુ પણ નક્કી કર્યુ છે.
આ ઉપરાંત ઢોલક વગાડનારાઓ ઉપર ઘોર એટલે કે નોટો ઉડાડવાની પ્રથા પણ નાબુદ કરવા આ લોકોએ નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ હતુ કે આ પ્રકારની પરંપરા અપનાવનાર અનેક લોકોની નાણાકીય સ્થિતિ સારી હોતી નથી. અનેક એવા પણ હોય છે કે જેઓ ઉછીના નાણા લઈને પૈસા ઉડાડતા હોય છે. આ પ્રકારની પરંપરા હવે દૂર કરવી જરૂરી હોય તે દૂર કરવામાં આવી છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ ધંધુકા રજપૂત સમાજના કાઉન્સીલ સભ્ય છે તેમણે કહ્યુ છે કે અમે આગામી દિવસોમાં ૫૨ ગામોના ચુડાસમાઓની બેઠક બોલવશુ અને ચીર ગામે લેવાયેલા નિર્ણયને અનુસરવાની સૌને અપીલ કરશું.
થોડા મહિના પહેલા તળાજા નજીકના પાસવી ગામના સરવૈયાઓએ આ જ પ્રકારનો નિર્ણય લીધો હતો. શકિતસિંહ સરવૈયા કે જેઓ પ્રાથમિક શિક્ષક અને સમુદાયના નેતા છે તેમણે કહ્યુ છે કે ચાલુ સીઝનથી જ અમે આ રીવાજો બંધ કર્યા છે. જ્યાં દારૂ પીરસાતો હશે ત્યાં ગામના કોઈ લોકો નહિ જાય. આવા સમારંભોમાં પીને આવતા લોકોને પણ એન્ટ્રી આપવામા નહિ આવે.