દરિયાકિનારે વસેલા આ ગામમાં “નળ સે જળ” યોજના થકી પહોંચ્યું, પીવાલાયક પાણી
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું કોલક ગામ દરિયાકિનારે વસેલું ગામ છે અને આ ગામમાં ખારા પાણીની સમસ્યાના કારણે ગામલોકો ઘણા વર્ષોથી શુદ્ધ પીવાના પાણીની હાલાકી ભોગવતા હતા. આ સમસ્યાને કારણે કાંઠાવિસ્તારના રહેવાસીઓ પોતાનાં ખેતરોમાં ખેતી કરી શકતા ન હતા
અને ગામમાં ખારો પટ હોવાથી ગામમાં બોર કે બોરિંગનાં પાણી પણ ખારા હોવાથી ગામલોકોને પીવાનાં પાણી માટે ઘણી સમસ્યાઓ પડતી હતી. આ સમસ્યા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું. હવે પરિસ્થિતિ બદલાઈ છે અને કોલક ગામમાં ખુશીઓની સરવાણી વહી રહી છે.
આ ગામમાં રાજ્ય સરકાર દ્વારા મીઠાં પાણી માટે ૩૫ થી ૪૦ વર્ષ પહેલા લોખંડની પાઇપલાઇન નાખવામાં આવી હતી જે હવે જૂની થઇ જતા સડી ગઈ હતી, જેને કારણે પાણીના ફોર્સમાં ઘટાડો થતો હતો અને ગામની વચ્ચે એક જ નળમાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું ન હતું.
પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એક ટાઇમ પાણી મેળવવા માટે પણ ગામનાં લોકોને તકલીફો પડતી હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજના “નલ સે જલ” અમલમાં આવતાં કોલક ગામમાં રૂપિયા ૪૩,૦૭,૨૫૩ ફાળવવામાં આવ્યા, જેમાં ગામમાં આવેલી જૂની પાઇપલાઇન કાઢી તેની જગ્યાએ ૧૬૦ એમ.એમ.થી લઈને ૭૫ એમ.એમ. સુધીની પાઇપલાઈન નંખાઈ.
પાર નદીનું પાણી કોલક ગામમાં બનાવવામાં આવેલી ૮૦,૦૦૦ લિટરની ટાંકી સુધી પહોંચાડ્યા બાદ તે પાણી લોકોનાં ઘર સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું અને આ યોજના માટે ફાળવવામાં આવેલા ફંડમાંથી રૂપિયા ૨૫,૩૮,૦૦૦ના ખર્ચમાં આ તમામ કામો પૂર્ણ કરવામાં આવ્યા.
કોલક ગામના ઉપસરપંચ અઝીમ નિઝામુદ્દીનનાં કહેવા પ્રમાણે અમારું ગામ દરિયા કિનારે હોવાના કારણે ગામની અંદર ખારા પાણીનો સ્રોત છે. પણ વાસ્મો દ્વારા “નળ સે જળ” યોજનાના કારણે લોકોના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી સમયસર પહોચી રહ્યું છે. જેના માટે ગ્રામપંચાયત કોલક સરકાર તથા વાસ્મોનો આભાર માને છે.
“નળ સે જળ” યોજના નાગરિકો માટે જીવાદોરી સમાન બની છે, કારણ કે સરકારે કપરી પરિસ્થિતિમાં પણ ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે જે પોતાનામાં એક આગવી સિદ્ધિ છે. જેના માટે લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. ધ્રુવી ત્રિવેદી/ભરત ગાંગાણી