દરેકનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટીબદ્ધ : મુખ્યમંત્રી
અમદાવાદ મહાનગરને રૂ.૧૪૩ કરોડના વિકાસ કામોની અક્ષય તૃતીયા -પરશુરામ જયંતિએ ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી શહેરો અને મહાનગરોનો વિકાસ કેવો હોય તે ગુજરાતે વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજનથી દેશને બતાવ્યું
અગાઉ શહેર સુધરાઈ તરીકે ઓળખાતી નગરપાલિકા – મહાનગરપાલિકાઓને નગર સેવા સદન સ્વરૂપે જનસેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાવ્યા.
● ચાંદખેડા વોર્ડમાં અંદાજિત રૂ. ૨.૪૮ કરોડના ખર્ચે નવી તૈયાર કરવામાં આવેલ સબ ઝોનલ ઓફીસ
● થલતેજ વોર્ડમાં સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના* *અંતર્ગત ઇલોરા એપાર્ટમેન્ટ તથા અજન્ટા એપાર્ટમેન્ટમાં આર.સી.સી રોડ તથા પેવર બ્લોક
● બોપલ ખાતે અંદાજિત રૂ. ૮.૮૩ કરોડના ખર્ચે ૭૦ આવાસોનો ડ્રો
● ઝુંડાલ ખાતે અંદાજિત રૂ. ૧૨૮.૦૨ કરોડના ખર્ચે ૧૧૨૦ આવાસોનો ડ્રો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનોને રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતિએ ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નગરો – મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, અગાઉ નગરો – મહાનગરો શહેર સુધરાઈ તરીકે
ઓળખાતા હતા. શહેરી સુવિધા એટલે નળ, ગટર અને રસ્તા એવી જ વ્યાખ્યા હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવી શહેર સુધરાઈને નગર સેવા સદન તરીકે નગર સુખાકારી અને જનહિત કાર્યોની અનેક સેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો બનાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવર બ્લોક, રસ્તા સહિતના કામો પણ હવે થાય છે. તેમણે કહ્યું કે, નગર સુખાકારીના કામો હાથ ધરવા સાથે શહેરી સુવિધાના કામોમાં નાણાંની કોઈ સમસ્યા ન રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણે કર્યું છે. તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તાર સહિત ગૃહમંત્રીશ્રી અમિત ભાઈ શાહના આ લોકસભા મત વિસ્તારમાં થયેલા અને હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો પણ આ તકે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના લોકોનો વિચાર કરી “દરેકને માથે છત” હોય તે સંકલ્પ સેવ્યો છે.
વડાપ્રધાનશ્રી ના માર્ગદર્શન અને પ્રેરણાથી આજે ગુજરાતમાં સરકારે ૫,૮૮,૦૦૦ આવાસો પૂર્ણ કર્યા છે અને હજુ વધુ મકાનો ના કામ ચાલુ જ રાખ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ના હસ્તે બે બાળકોને સુપોષિત કીટ વિતરણ કરવામાં આવી હતી તથા બે બહેનોને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા સહાય પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજયકક્ષાના કુટિર અને ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ચાલી રહેલી વિકાસની વણથંભી યાત્રાને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, વિકાસની રાજનીતિની પરંપરાને આગળ વધારી મુખ્યમંત્રીશ્રી ના હસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થઈ રહ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીશ્રીની નેમ છે કે “ગુજરાતનો એક પણ નાગરીક છાપરાવાળા મકાનમાં ના રહેવો જોઈએ.. ” તેવા સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસ ગાથાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કદમ થી કદમ મિલાવી આગળ વધારી રહી છે.
કોરોના પછીના સમયમાં ૩૦૦૦ કરોડથી વધારેના કામો એક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયા એ આપણા માટે ગૌરવની વાત છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે અમદાવાદ ને જે ભેટ મળી છે તેમાં ચાંદખેડા વોર્ડ અંદાજિત રૂ.૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ, થલતેજ વોર્ડમાં સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઇલોરા એપાર્ટમેન્ટ અને અજન્ટા એપાર્ટમેન્ટમાં આર.સી.સી.રોડ તથા પેવર પેવર બ્લોકના ખાતમુહર્તનો સમાવેશ થાય છે.
સાથે સાથે બોપલ ખાતે અંદાજિત રૂપિયા રૂ. ૮.૮૩ કરોડના ખર્ચે ૭૦ આવાસોના ડ્રો અને ઝુંડાલ ખાતે અંદાજિત રૂ. ૧૨૮.૦૨ થી વધુ કરોડના ખર્ચે ૧૧૨૦ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલ તથા કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.