દરેક ખેડૂતને 18000 રૂપિયા મળશે : અમિત શાહ
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટી પોત પોતાની રીતે મતદારોને પોતાના તરફ ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે એક ચૂંટણી રેલીમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
કહેવાય છે કે અમિત શાહની આ જાહેરાત બંગાળ ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતો માટે કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી.
આ યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજનાને હજુ બંગાળમાં લાગુ કરાઈ નથી. ચૂંટણી રેલીમાં અમિત શાહે જાહેરાત કરી કે જાે બંગાળમાં ભાજપની સરકાર બની તો કિસાન સન્માન નિધિ શરૂઆતથી લાગુ કરવામાં આવશે.
કિસાન સન્માન નિધિ દેશમાં લાગુ કર્યે બે વર્ષ થઈ ચૂક્યા છે જે હેઠળ ૧૨-૧૨ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા છે. અમિત શાહના નિવેદનને તેની સાથે જાેડવામાં આવી રહ્યું છે. બંગાળમાં ચૂંટણી જીતવા પર ભાજપ દરેક ખેડૂતના ખાતામાં ૨ વર્ષની બાકી રકમની સાથે ત્રીજાે હપ્તો પણ જમા કરશે જેનાથી ખેડૂતના ખાતામાં ૧૮-૧૮ હજાર રૂપિયા આવશે.
આંકડા મુજબ ખેડૂત સન્માન નિધિના હેઠળ જે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે તેમાં પશ્ચિમ બંગાળના લગભગ ૭૦ લાખ ખેડૂતો આવે છે. જેમને આ યોજનાનો ફાયદો મળી શકે છે. આવામાં અમિત શાહના આ નિવેદનને ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે કારણ કે આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને ચૂંટણી પ્રચારથી સ્પષ્ટ છે કે ભાજપ અને ટીએમસીમાં કાંટાની ટક્કર જાેવા મળશે.
પશ્ચિમ બંગાળમાં લગભગ ૭૦ લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળ્યો નથી કારણ કે સીએમ મમતા બેનરજીએ આ યોજનાને બંગાળમાં લાગુ કરી નથી. કેટલાક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી પરંતુ વેરિફિકેશનનું કામ રાજ્ય સરકારનું છે.
રાજ્ય સરકારના વેરિફિકેશન ન કરવાના કારણે કેન્દ્ર સરકાર તરફથી આ ખેડૂતોને મદદ ન કરવામાં આવી. વાત જાણે એમ છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતોના રેવન્યૂ રેકોર્ડ, આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરે છે. રાજ્ય સરકાર જ્યાં સુધી એકાઉન્ટ વેરિફાય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી.