દરેક ગામને સરફેસ વોટર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : પાણી પુરવઠા મંત્રી

Files Photo
નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું હતું કે, દરેક ગામને સરફેસ વોટર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રી શ્રી બાવળીયાએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં નવા બોર બનાવવા માટે ૧૧૪ માંગણીઓ કરવામાં આવી હતી, જેને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે સત્વરે મંજૂર કરી નવા બોર બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ છે.
પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી શ્રી બાવળીયા જણાવ્યું હતું કે, નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારની રૂ.૧૧,૬૮૯ લાખની વિવિધ યોજનાઓ કાર્યરત છે તથા નાણાકીય વર્ષ-૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં સોરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને સંતોષી શકાય તે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.