દરેક ભારતીય પાછા ન ફરે ત્યાં સુધી વિમાનો તેમજ ખાનગી ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રહેશે

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે આ વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશ ગંગાની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન ગંગા અંતર્ગત એર ઈન્ડિયા અને અન્ય વિમાનો દ્વારા ભારતીયોને વતન પરત લાવવામાં આવી રહ્યા છે.આઇએએફએ અત્યાર સુધી યુક્રેનથી પરત લાવવા માટે ૪ ફ્લાઈટો શરૂ કરી છે.
સી-૧૭ ગ્લોબમાસ્ટર અંદાજીત ૪૦૦ પેસન્જરો સાથે લાંબા અંતરની ઉડાણ ભરવામાં સક્ષમ છે.ભારતીય વાયુસેનાનું પ્રથમ વિમાન રોમાનીયાથી પરત આવી ગયું છે. જેમાં અંદાજીત ૨૦૦ ભારતીય નાગરીક સવાર હતા. એરફોર્સના સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાને પોતાના હોમ બેઝ હિંડનમાં લેન્ડ કર્યું હતું. બીજી તરફ એરફોર્સના સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાને રીસીવ કરવા માટે કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ પણ હિડન બેઝ પહોંચ્યા હતા.
સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે કહ્યું છે કે ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં સુધી દરેક નાગરિકને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી ભારતીય વાયુસેનાના વિમાનો તેમજ ખાનગી ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રહેશે.
તેમણે એમ પણ જણાવ્યું કે ભારત સરકારે તેમના નાગરિકો માટે ભોજન, તંબુ, દવા, કપડાં અને ધાબળાની વ્યવસ્થા કરી છે.બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની સ્પેશ્યલ ફ્લાઈટ મુંબઈ પહોંચી ચુકી છે. આ ફ્લાઈટથી ૧૮૩ ભારતીયોને બુખારેસ્ટથી મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા.
મુંબઈ પહોંચી ફ્લાઈટથી આવેલા વિદ્યાર્થીઓના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી રાવસાહબ દાનવે એરપોર્ટ પહોંચ્યા હતા. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે મોડી રાત્રિએ ટિ્વટ કરીને જાણકારી આપી હતી કે ઈન્ડિયન એરફોર્સ સહિત ૯ ફ્લાઈટ આજે હંગેરી, રોમાનિયાસ સ્લોવાકિયા અને પોલેન્ડથી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય અન્ય ૬ ફ્લાઈટ પણ જલ્દીથી ઉડાણ ભરશે. હજુ ૩૦૦૦ ભારતીયોને લાવવાના બાકી છે.
રોમાનિયાની મુલાકાતે ગયેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુકારેસ્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા સરકારની પ્રતિબદ્ધતા અને ટોચની પ્રાથમિકતા છે.
બુકારેસ્ટમાં લગભગ ત્રણ હજાર ભારતીયો છે, જેમાંથી ૧૩૦૦ લોકોને ૩ માર્ચ સુધીમાં છ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવશે. યુક્રેનના પડોશી દેશોની સરહદે ભારતીયોને સલામત રીતે લાવવું, તે દેશોના એરપોર્ટ પર પહોંચવું અને ત્યાંથી ભારત લાવવા એ આ મિશનના મુખ્ય તબક્કા છે. આ દરમિયાન તેમના ભોજન, રહેઠાણ અને તબીબી સહાયની પણ કાળજી લેવામાં આવી રહી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયાના વડાપ્રધાન ક્લાઉસ આયોહાનિસને પણ મળ્યા છે. તેમણે કહ્યું કે રોમાનિયાના વડા પ્રધાને ભારતીયોની સુરક્ષિત વાપસીમાં સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે. સિંધિયાએ કહ્યું કે આ મિશનમાં ભારતીય વાયુસેનાના બે ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે આઇએએફએ યુક્રેનથી લોકોને પરત લાવવા માટે અત્યાર સુધીમાં ૪ ફ્લાઈટ શરૂ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને ઓપરેશન ગંગા હેઠળ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસોમાં જાેડાવા હાકલ કરી હતી.HS