દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવવાનો હક્ક છે ….પરંતુ
આંતરિક ઈચ્છા- દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવવાનો હક્ક છે ….પરંતુ જયારે વ્યક્તિને પોતાનું આ જીવન જિવવું અસહય લાગે ત્યારે તેને શું મૃત્યુ માંગવાનો અધિકાર છે …? ત્યારે એની ‘આંતરિક ઈચ્છા ‘ જાણવા પ્રયત્ન કરવો જરૂરી બને છે. આ સંવેદનશીલ સવાલનો જવાબ આપવો ખુબ અઘરો છે મેં અહીં માત્ર સાહજીકતાથી આ મુદ્દાની ચર્ચા કરી છે . થોડાક વર્ષો પૂર્વે જ આ અધિકાર “સુપ્રીમ કોર્ટ “એ અમુક શર્તો સાથે આપણને આપ્યો છે …..વર્ષો સુધી કાયદા મુજબ “ઈચ્છા મૃત્યુ”ની માન્યતા આપણને નહોતી મળેલી …!
‘ઈચ્છા મૃત્યુ ’ એટલે શું ….! જો વ્યક્તિ કોઈ એવા અસાધ્ય રોગથી પીડાતો હોય , કે જેમાં સાજા થવાના ચાન્સ હોય જ નહીં ,ત્યારે તે વ્યક્તિ ‘સરકાર’ને વિંનતી કરે છે , કે એ પોતે પોતાની જીવનયાત્રા જાતે જ સમાપ્ત કરી શકે ….તે માટે ‘સરકાર’ મંજૂરી આપે . અસાધારણ કિસ્સાઓ માં ‘ઈચ્છા મૃત્યુ’ ની મંજૂરી જરૂરી પણ હતી .તેની પાછળનો આશય દર્દી ને એના અસાધ્ય રોગની વેદનામાંથી મુક્તિ અપાવવાનો હતો .
આવા કલ્યાણકારી આશય ને ધ્યાનમાં રાખી, સુપ્રીમ કોર્ટે અમુક શર્તો સાથે મંજૂરી આપી છે .દર્દી જો ‘લાઈફ સર્પોટિંગ’ સિસ્ટમના આધારે જ શ્વાસ લઈ રહ્યો હોય ……એવા ક્રિટિકલ સંજોગોમાં એની એ સપોર્ટ સિસ્ટમ દૂર કરી એને આ તકલીફ માંથી મુક્તિ અપાવવા એના નજીકના લોકો ,સગાવહાલાં અને મિત્રો દર્દી માટે કાનૂની રીતે ‘ઈચ્છા મૃત્યુ’ ની મંજૂરી આપવા દબાણ કરે છે .
ભારત સિવાય બીજા ઘણાં દેશોમાં ‘ઈચ્છામૃત્યુ’ને કાનૂની મંજૂરી મળેલી છે . દર્દી ની એવી દુઃખદાયક પરિસ્થિતિ માં મારું માનવું છે ,સરકાર ” ઈચ્છામૃત્યુ” ને મંજૂરી આપીને વ્યક્તિને પોતાની શારીરિક અને માનસિક અસહય યાતનામાંથી મુક્તિ અપાવી શકે છે .
જૈન ધર્મમાં કેટલાંય વર્ષોથી એક પ્રથાને મંજૂરી આપવામાં આવેલી છે ….અને તે છે ‘સંથારા’ જયારે કોઈ તપસ્વી સ્વેચ્છા એ પોતાનું જીવન સમાપ્ત કરી ….અધ્યાત્મ ની કેડી પર ચાલીને મોક્ષ મેળવવાની અદમ્ય ઈચ્છા ધરાવે છે , ત્યારે , તે સ્વયં અન્નજળનો ત્યાગ કરે છે …..સમય કાળે તે અન્નજળના અભાવે શારીરિક રીતે કૃશકાય બની જાય છે અને અંતે તે પોતાનું જીવન સમાપ્ત કરી દે છે .એને ‘સંથારા’ કહેવામાં આવે છે .
‘ઈચ્છામૃત્યુ’ અને ‘સંથારા’ વચ્ચે બહુ મોટો તફાવત છે .ઈચ્છામૃત્યુ …..એ દર્દી અથવા તેના નજીકના લોકો દ્વારા કરાતી માંગણી છે ,
જયારે સંથારા …. એ તપસ્વીની એના તપ સ્વરૂપે જીવન સમાપ્ત કરવાની માંગણી છે. એકની માંગણીમાં રોગીને રોગની દુઃખદ પરાકાષ્ટાથી મુક્તિ કરાવવાની વાત છે ,
જયારે, બીજામાં , પોતાની ભક્તિના તપથી આ ક્ષણભંગુર કાયાને જાતે છોડીને પ્રભુના સાનિધ્યમાં પહોંચી મોક્ષ પામવાની વાત છે .સમાધિ લઈને મૃત્યુને ઉત્સવ ગણી વધાવવાની પ્રક્રિયાને ‘સંથારા’ કહે છે .
જીવન અમૂલ્ય છે ….પણ ક્યારેક આ જીવન અસાધ્ય રોગના લીધે બોજારૂપ બની જાય ત્યારે , યક્તિ ” ઈચ્છામૃત્યુ” માટેની આજીજી કરી શકે છે , એને વ્યક્તિનો નિજી મામલો કહી શકાય …આને સંવેદનશીલ અને નાજુક નિર્ણય ગણી વિવાદાસ્પક ન બનાવવો જોઈએ . ટીકાટિપ્પણ અને મંતવ્યો પણ સમજી વિચારીને રજૂ કરવા જરૂરી છે . બાકી , જિંદગી એક અલભ્ય કેનવાસ છે ,તેની પર વ્યક્તિ એને પ્રાપ્ય રંગોથી સુંદર ચિત્ર દોરે ,એજ એની ખૂબી અને એજ કહેવાય ખરો , ચિત્રકાર ….!
જિંદગી જીવવા માટે કોઈ જડીબુટ્ટીની જરૂર નથી …! દરેક સંબંધમાં અને દરેક કાર્યમાં ઈમાનદારી ,વ્યક્તિનું પ્રેરકબળ બની શકે . જીવન જીવવા અને માણવા પ્રભુએ ‘મનુષ્ય’નામની અદભુત રચના કરી એને પૃથ્વી પર મોકલી છે . ‘ઈચ્છામૃત્યુ કે મુત્યુ ઈચ્છા’ એક છેવટનો વિકલ્પ હોવો જોઈએ …..!!! આંતરિક ઈચ્છામાં આપણો સકારાત્મક દ્રષ્ટિકોણ ઉમેરવો ખુબ જરૂરી છે . જીવન અમુલ્ય છે.