Western Times News

Gujarati News

દર્દીઓને ઘરમાં દિવાળી ઉજવાતી હોવાનો અહેસાસ કરાવવા નર્સ બહેનોએ કોરોના વોર્ડમાં દીપ પ્રગટાવ્યા

કોરોનાની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથી ની ભાવના સાથે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્યના કર્મયોગીઓએ કોવિડ પીડિતો સાથે ઉજવી દિવાળી

વડોદરા, કોરોના સંક્રમિત હોવાથી અને સારવાર હેઠળ હોવાથી દીપોત્સવીના પવિત્ર પર્વે તેઓ સ્વજનોથી અને ઘર પરિવારથી દુર હતા.

જો કે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં,દર્દીઓની માફક જ દિવાળીના ,વર્ષના સહુથી મોટા પર્વના દિવસે સ્વજનો અને ઘર પરિવારથી દુર રહીને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્યના કર્મયોગીઓએ તેમની સાથે પરંપરા પ્રમાણે દિવાળી ઉજવીને ,તેઓ ઘરથી દુર અને એકલવાયા હોવાની જરાય અનુભૂતિ થવા દીધી ન હતી.

આ સ્ટાફ છેલ્લા છ મહિનાથી રાત દિવસ એક કરીને કોરોનાના રોગીઓને રોગમુક્ત કરવાની ફરજ બજાવી રહ્યો છે.આ દરમિયાન આવેલા તમામ તહેવારો,પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં, દર્દીઓની સાથે જ ઉજવ્યા છે.તે દરમિયાન તે માહેના કેટલાક જાતે સંક્રમિત થયા,સારવાર લીધી, રોગમુક્ત થયા અને પાછા દર્દી સેવામાં લાગી ગયાં છે.

એ સેવા ધર્મની પરંપરા પાળવા તબીબોએ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ નો, વેકેશનનો ભોગ આપ્યો છે.અને ગઇકાલે તેમણે દિવાળી પણ દર્દીઓ સાથે ઉજ્વીને, કોરોના ભલે અઘરી મહામારી હોય,

રોગીઓને સાજા કરવાના અમારા ઉત્સાહને,ઝનૂનને પરાસ્ત નહિ કરી શકે એવો સંદેશ આપવાની સાથે, દર્દીઓને, દવાખાનામાં ઘર જેવી દિવાળીનો અનુભવ કરાવીને,તેમના સાજા થવાના મનોબળને વધુ મક્કમતા આપી છે.

નર્સિંગ સ્ટાફને લાગ્યું કે, રોજિંદા ગણવેશમાં જ આ ઉજવણીમાં જોડાઈશું તો દર્દીઓને દવાખાનાના વાતાવરણમાંથી મુક્તિનો અનુભવ નહિ થાય એવા શબ્દો સાથે વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે,

તેના પગલે ફરજ પરની નર્સ બહેનોએ, કોવિડ વિષયક તમામ સાવચેતીઓ પાળી અને તકેદારી લઈને, ભારતીય પરંપરા અનુસરીને સાડીમાં જ ઉજવણી માં જોડાવાનો નિર્ણય લીધો પરિણામે દિવડાના ઝગમગાટ સાથે ઉત્સવમાં અનેરી રંગ સભરતા ઉમેરાઈ અને દર્દીઓ ઘર જેવા જ ઉત્સાહ સાથે દિવાળી માણી શક્યા.

અનેક દીપકોના પ્રકાશથી એક નવી આશાના કિરણો રેલાયા અને દર્દ અને દવાખાનું ભુલાઈને દિવાળી જ મનમાં રમતી રહી. મીઠાઈ પણ વહેંચવામાં આવી જેની મીઠાશથી રોગની કડવાશ ઓસરી ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.