દર્દીઓ દોક્ટરને ભગવાન માને છે, ત્યારે તબીબ બનીને સમાજ સેવાનું દાયિત્વ અદા કરવાનું છે: મુખ્યમંત્રી
ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની M.B.B.Sની છઠ્ઠી બેચનો પદવીદાન સમારોહ
*દિક્ષાંત સમારોહ એ ખરેખર તો શિક્ષાનો અંત નહિ પરંતુ વ્યવસાયિક કારકીર્દી ઘડતરની સાથે સાથે સમાજ સેવાનો આરંભ છે :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે જણાવ્યું છે કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે.
અમદાવાદના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની છઠ્ઠી બેચના ૧૪૦ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભમાં સંબોધતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
દિક્ષાંત સમારોહ એ ખરેખર તો શિક્ષાનો અંત નહિ પરંતુ વ્યવસાયિક કારકીર્દી ઘડતરની સાથે સાથે સમાજ સેવાનો આરંભ છે. એટલું જ નહી પરંતુ આજે તમે સૌ વિધ્યાર્થિઓ તબીબ તરીકે ઓળખાવવાના છો ત્યારે સમાજમાં તમને પ્રાપ્ત થયેલી નવી ઓળખ એ જ સમાજના ભલા માટે ઉપયોગી બનશે એ પણ એટલું જ નિશ્ચિત છે.
રાજ્યમાં મેડીકલ કોલેજની સ્થિતીનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજથી બે-અઢી દાયકા પહેલાં રાજ્યમાં સામાન્ય સંખ્યામાં મેડીકલ કોલેજ અને જૂજ સીટો હોવાથી ગુજરાતના યુવાનોને મેડીકલમાં પ્રવેશ લેવા માતબર ફી ભરીને પણ ગુજરાત બહાર જવું પડતુ હતું. આજે આ સ્થિતીમાં બદલાવ આવ્યો છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ભગીરથ પ્રયાસોના પગલે રાજ્યના યુવાનોને રાજ્યમાં જ સારૂ શિક્ષણ મળી રહે તે માટેની સુવિધા ઉભી થઈ છે. વર્ષ ૨૦૦૨-૦૩ સુધી રાજ્યમાં માત્ર ૧૧ મેડિકલ કોલેજો હતી તેની સામે આજે રાજ્યમાં ૩૧ મેડિકલ કોલેજો છે. માત્ર ૧૩૭૫ મેડિકલની સીટો હતી, તે આજે વધીને ૫૭૦૦ થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તબીબી વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે. દર્દીઓ દોક્ટરને ભગવાન સ્વરૂપ માને છે. તબીબ બનીને તમારે સમાજ સેવાનું દાયિત્વ અદા કરવાનું છે. અગાઉના વિદ્યાર્થીઓ કરતા કોરોનાના કપરા કાળમાં તમને અનેક લોકોનો ઉપચાર કરવાની તક મળી છે એ અર્થમાં પેનિક અને પેન્ડેમિક બંન્ને સામે લડવાનો અનુભવ છે. ત્યારે તમારી હવે સમાજ માટેની જવાબદારી વિશેષ બનવાની છે એમ તેમણે ઉમેર્યું હતું.
આજના યુવાનો પાસે ભારતની આવતીકાલ ઘડવાની સુવર્ણ તક છે. આજના યુવાનને મોકો મળશે એટલે તે જગત સાથે સ્પર્ધા કરવાનો જ છે. એટલે યુવાનો માટે તકોનું નિર્માણ આપણે કરવાનું છે. ગુજરાતમાં મેડીકલ એજ્યુકેશનનું ભાવિ આયોજન સુદ્રઢ રીતે કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
રાજ્યમાં પાંચ મેડીકલ કોલેજો શરૂ કરવાનું કામ પ્રગતિમાં છે અને આવનારા દિવસોમાં નવી ત્રણ કોલેજો શરૂ કરવાનું પણ આયોજન છે. રાજ્યમાં તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડીકલ યુનિવર્સિટી સ્થાપવામાં આવનાર છે. સાથે સાથે મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓને ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અન્વયે સહાય માટે પ૦ કરોડ રૂપિયાનું પ્રાવધાન આ બજેટમાં કર્યુ છે.
ભારત દેશની આ જ શક્તિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું છે. આ માત્ર સૂત્ર નહી, પણ આપણા સહુ ભારતીયોનું સ્વાભિમાન બની રહ્યું છે
આપણે આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ બનાવવાનું છે અને એ માટે શિક્ષા-દિક્ષાથી સજ્જ યુવાશક્તિ સંવાહક બનશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીએ લોકોને આ અમૃત મહોત્સવમાં જોડાવા કોઇને કોઇ સંકલ્પ લેવા માટે આહવાન કર્યુ છે.
તેમાંનો એક સંકલ્પ એ પણ હોઇ શકે કે ‘હું મારા ગામના લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત કરીશ…’ આ સંકલ્પ સાકાર કરવા સૌને સક્રિય સહયોગ આપવા મુખ્ય મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝીક્યુટીવ ચેરમેન અને ઝાયડસ કેડીલાના ચેરમેન શ્રી પંકજભાઈએ કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે કોવીડ ૧૯નો ટાઇમ એક ચેન્જીંગ ટાઈમ હતો. એ સમય દરિમયાન આપણા સૌ સ્ટડી કરીને પદવી પ્રાપ્ત કરી છે એ ખરેખર સહારનીય છે.
તેમણે કહ્યું કે, આજનો દિવસ તમારા માટે એટલા માટે પણ યાદગાર છે કેમ કે હવે જીસીએસનું નામ આગળ રોશન કરવાના છો.
આ અવસરે શ્રી પંકજભાઈએ જી.સી.એસ મેડિકલ કોલેજની સ્થાપના કેવી રીતે થઈ અને સરકાર દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવી હતી એ વાત પણ તેમણે કહી હતી. આ અવસરે ગુજરાત કેન્સર મેડીકલ કોલેજના ડીન શ્રી યોગેન્દ્ર મોદીએ પદવી પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે ઉમેર્યું કે ,ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરએ પોતાની ૧૧ વર્ષની જર્નીમાં ઘણા બધી સિદ્ધિઓ હાંસિલ કરી છે. આ વિદ્યાર્થીઓએ કોરોનાની મહામારીમાં પણ સતત કામ કરી સમાજમાં સારું ઉદાહણ પૂરું પાડ્યું હતું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના જનરલ સેક્રેટરી શ્રી પ્રશાંત કિનારીવાલા, ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસીડેન્સ શ્રી ક્ષીતિશ મદનમોહન, ગુજરાત કેન્સર સોસાયટીના સી.ઇ.ઓ કર્નલ ડો. સુનિલકુમાર, ગુજરાત કેન્સર મેડીકલ કોલેજના ડીરેક્ટર શ્રી ડો. કીર્તી પટેલ, નિષ્ણાતો-અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.