દર્દીઓ સતત વધતાં નવી હોસ્પિટલોને મંજૂરી અપાશે
રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને વધુ પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે જુદા જુદા ત્રણ વોર્ડમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો સાથેજ કલેકટર દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના સભ્યો સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં નવી કોવિડ હોસ્પિટલ ને મંજૂરી આપવા બાબતેની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. રાજકોટ શહેરમાં નવા ૨૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૨૮ કેસ આવતા કુલ ૩૧૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક ૨૮,૦૮૩ થયો છે. તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ દર્દીઓ પણ વધી રહ્યા છે.
રાજકોટમાં હાલ ૧૯૦૦ બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર ૪૪૪ બેડ ખાલી રહ્યા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં ૧૭૩૫ એક્ટિવ કેસ છે જાેકે જે લોકોએ ૧૦ દિવસ પૂરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ ૧૪ દિવસ ન થાય ત્યાં સુધી ક્વૉરન્ટીન રાખે છે. બીજીતરફ ગોંડલના ભુણાવા ગામમાં કોરોનાના ત્રણ કેસ આવવાની સાથે જ કોરોના મહામારી સામે ગ્રામજનોનું સ્વાસ્થ્ય જાેખમાય નહિ તે માટે ભુણાવા ગામે સ્વૈચ્છિક દસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ૧૦ દિવસ માટે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા સરકારી અને આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે તેને સહકાર આપવાના ભાગરૂપે અને ગ્રામજનોનું સ્વાસ્થ્ય જાેખમાઈ નહીં તેવા શુભ હેતુથી ગોંડલ તાલુકાના ભુણાવા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા દ્વારા તાકીદે ગ્રામજનો સાથે મિટિંગનું આયોજન કરાયું હતું તેમાં સર્વાનુમતે દસ દિવસ સ્વેચ્છિક લોકડાઉન કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે
ગામમાં દસ દિવસ દરમિયાન જરૂરી ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે માટે ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું હતું. આ સાથે ભુણાવાના ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે, લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને શરદી તાવ કે ઉધરસ જેવા લક્ષણો વર્તાય તો તાકીદે સારવાર મેળવી લેવી.