દર્દીઓ સાજા થવાનો દર સુધરીને 42.4% થયો; 1,16,041 સેમ્પલનું પરીક્ષણ કરાયું

પ્રતિકાત્મક
નવી દિલ્હી, દેશમાં લૉકડાઉનના અમલના કારણે બહુવિધ ફાયદા થયા છે જેમાં સૌથી પહેલાં તો બીમારી ફેલાવાની ગતિને નિયંત્રણમાં લાવી શકાઇ છે. સાથે સાથે, લૉકડાઉનના સમયગાળા દરમિયાન, કોવિડ-19 વિશેષ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ; માનવ સંસાધનોની ક્ષમતાનો વિકાસ; પરીક્ષણની ક્ષમતામાં વધારો; પૂરવઠા, ઉપકરણો, ઓક્સિજનમાં વધારો; સંબંધિત માર્ગદર્શિકાઓ બહાર પાડવી, પ્રમાણભૂત ધોરણો નક્કી કરવા, તેનો પ્રસાર કરવો, અપનાવવા અને આચરણમાં લાવવા; નિદાનાત્મક ચીજો, દવાના પરીક્ષણો, રસીના સંશોધનમાં વિકાસ; અને ટેકનિકલ બાજુએ આરોગ્ય સેતુ જેવી એપ્લિકેશન સહિત વધુ સંપર્ક ટ્રેસિંગ, ઘરે ઘરે સર્વેની મદદથી દેખરેખ વ્યવસ્થાતંત્ર વધુ મજબૂત કરવું વગેરે હાંસલ કરવામાં સફળતા મળી છે.
દેશમાં 435 સરકારી લેબોરેટરી અને 189 ખાનગી લેબોરેટરી (કુલ 624 લેબોરેટરી)ની મદદથી પરીક્ષણની ક્ષમતા વધારી શકાઇ છે. કુલ મળીને અત્યાર સુધીમાં 32,42,160 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે ગઇકાલે 1,16,041 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 1,51,767 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેમાંથી 64,426 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ આંકડો દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 42.4% હોવાનું દર્શાવે છે. કોવિડ-19ના કારણે ભારતમાં મૃત્યુદર 2.86% ટકા છે જ્યારે દુનિયામાં સરેરાશ મૃત્યુદર 6.36% છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19 મહામારી દરમિયાન અને તે પછી પ્રજોત્પતિ, માતૃત્વ, નવજાત, બાળક, કિશોર + પોષણ સેવાઓની જોગવાઇઓ માટે માર્ગદર્શિકા નોંધ બહાર પાડી છે.