દર્દી સાથે સંવાદ કરીને ખબર અંતર પૂછતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ
ધન્વતરી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે સંવાદ કરીને ખબર અંતર પૂછતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માં
અમદાવાદ શહેરના જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે આવેલા ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ઘન્વતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલ કાર્યાન્વિત થઇ ચૂકી છે. હોસ્પિટલની અંદર સારવાર મેળવી રહેલા દર્દીઓ સાથે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ વીડિયો કોલ મારફતે સંવાદ કરીને તેમના ખબર – અંતર પૂછ્યા હતા.
કોવિડ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ સાથે વીડિયો કોલિંગ મારફતે વાર્તાલાપ કરીને તેઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને સારવાર–સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દીઓથી સારવારને લગતા સૂચનો પૂછીને દર્દીઓને સારવાર થી લઇ મળતી અન્ય સુવિધાઓ વિશેના અભિપ્રાય શ્રીમતી અંજુ શર્મા દ્વારા મેળવવામાં આવ્યા હતા.
આ વીડિયો કોલિંગમાં વાર્તાલાપ દરમિયાન એક દર્દીએ કહ્યું કે, ‘ઘનવ્તરી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. અહીં અપાતી ભોજનની સુવિધા પણ ખૂબ જ પ્રસંશનીય છે. હોસ્પિટલના સ્ટાફનું દર્દીઓ પ્રત્યે હકારાત્મક વલણ છે જેનાથી અમારી અંદર પણ નવી ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે‘.
વીડિયો કોલિંગ સુવિધા અંગેના એક મહ્ત્વનો નિર્ણય જણાવતાં શ્રીમતી અંજુ શર્માએ કહ્યું કે, કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દીઓના સ્વજનોને પણ હોસ્પિટલ તંત્ર દ્વારા દરરોજ વીડિયો કોલિંગ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે દર્દીઓ પાસે મોબાઇલ ન હોય તેવા દર્દીઓના સ્વજનો દર્દી સાથે સંવાદ કરી શકે, તેમની સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવી શકે તે માટે આ સુવિધા વિકસાવવામાં આવી છે.