દર્શકોને પસંદ આવી રહી છે રાજકુમારની ફિલ્મ બધાઈ દો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Badhai-Do-1-1024x576.jpg)
મુંબઈ, બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ બધાઈ દો થિયેટરમાં દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ બધાઈ દોની પ્રશંસા થઈ રહી છે અને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે-સાથે ફિલ્મ ‘બધાઈ દો’ના કલાકારો પણ ખૂબ ખુશ છે કારણકે આ ફિલ્મ સમાજને જરૂરી મેસેજ આપી રહી છે.
બધાઈ દોની સફળતા વિશે વાત કરતા એક્ટર રાજકુમાર રાવે કહ્યું કે અમને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે ઈચ્છતા હતા કે દર્શકો પરિવાર સાથે બધાઈ દો થિયેટર્સમાં જુએ.
જેમાં અમે સફળ થયા છીએ. આ ફિલ્મ એક જરૂરી સંદેશ પણ લોકો સુધી પહોંચાડી રહી છે. જે મેસેજ માત્ર પરિવાર નહીં પણ આખા સમાજમાં ચર્ચાય તે જરૂરી છે.’ જ્યારે એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે કહ્યું કે ‘આગામી પેઢીના લોકોમાં આ ફિલ્મ બદલાવ લાવી છે. મને ખુશી છે કે હું આ ફિલ્મનો એક ભાગ છું. મને સોશિયલ મીડિયા પર મેસેજ મળી રહ્યા છે.
બધાઈ દો ફિલ્મ ૩૦ વર્ષની ઉંમરની આસપાસના કપલની કહાણી છે જેમાં એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. જેમાં અસામાન્ય કહી શકાય તેવા પ્રકારના લગ્ન અને રિલેશનશિપની વાત છે. આ લગ્નમાં પતિ અને પત્ની વચ્ચેના ઘણાં રહસ્યો છે કે જેમાંથી કોમેડી ઊભી થાય છે.
‘બધાઈ દો’માં એક્ટર રાજકુમાર રાવ પોલીસવાળાના રોલમાં છે જ્યારે ભૂમિ પેડનેકર પીટી ટીચરના રોલમાં છે. જંગલી પિચ્ચર્સની ફિલ્મ ‘બધાઈ દો’માં મ્યુઝિક અમિત ત્રિવેદી, તનિષ્ક બાગચી, અંકિત તિવારી, ખામોશ શાહ અને હિતેશ મોદકે આપ્યું છે.
‘બધાઈ દો’ની પ્રિન્સિપલ ફોટોગ્રાફી ૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દહેરાદૂનમાં શરૂ થઈ હતી અને પ્રથમ શેડ્યુલ ૨૫ ફેબ્રુઆરીના રોજ પૂરું થયું હતું જ્યારે આખી ફિલ્મનું શૂટિંગ ૬ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરું થયું હતું. ‘બધાઈ દો’ના લેખકોમાં સુમન અધિકારી, અક્ષત અને હર્ષવર્ધન કુલકર્ણી છે.
ગત વર્ષે ૨૦૨૧માં જાન્યુઆરીમાં ભૂમિ પેડનેકરે ‘બધાઈ દો’ના શૂટિંગનો વિડીયો શેર કરતા લખ્યું હતું કે કલાકારોએ ‘બધાઇ દો’ના સેટ પર પોતાનું જમવાનું પોતે જ રાંધવું પડે છે અને હાડ ધ્રૂજાવતી ઠંડીમાં ઉનાળાનાં દ્રશ્યો તેમની પાસેથી શૂટ કરાવવામાં આવી રહ્યા છે.SSS