દલિત પરીવારે મંદિરમાં દર્શન કરતા હુમલો કરાયો
કચ્છ, ગુજરાતનાં કચ્છ જીલ્લામાં એક દલિત પરીવારે ગામનાં મંદિરમાં દર્શન કરતા લગભગ ૨૦ લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ ચકચારી બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જાેકે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઇ પણ ધરપકડ થઇ નથી.
પરંતુ પોલીસે જણાવ્યા અનુસાર આ સમગ્ર બનાવ કચ્છ જીલ્લાના ગાંધીધામ પંથકનો છે, પોલીસે આ મામલે તપાસ માટે ૮ ટીમો બનાવી છે. પોલીસ ડેપ્યુટી સુપરીન્ટેન્ડેન્ટ કિશોરસિંહ ઝાલાએ જણાવ્યા અનુસાર, કથિત ઘટના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના નેર ગામમાં બની છે.
પરંતુ અત્યાર સુધી એક પણ દોષિતની ધરપકડ કરવામાં આવી નથી. ઝાલાએ જણાવ્યું કે, આ અંગે બે એફઆઇઆર રજીસ્ટર કરવામાં આવી છે. એક ગોવિંદ વાઘલા દ્વારા અને બીજી તેમના પિતા જગાભાઇ દ્વારા. બંનેએ એફઆઇઆરમાં દાવો કર્યો છે કે લગભગ ૨૦ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. કાના આહિર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પબા રબારી અને કાના કોળી સહિત ૨૦ લોકોના ટોળા સામે એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, લૂંટ અને હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
એફઆઈઆર મુજબ, આરોપીઓ તે વાત પર રોષે ભરાયા હતા કે ગોવિંદ વાઘેલા અને તેમનો પરિવાર ૨૦ ઓક્ટોબરે નેર ગામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા માટે આવ્યા હતા. ફરિયાદમાં જણાવાયા અનુસાર, ૨૬ ઓક્ટોબરના રોજ વાઘેલા તેમની દુકાન પર હતા, ત્યારે તેમને ખબર પડી કે કેટલાક લોકોએ તેમના ખેતરમાં ઢોર મોકલીને તેમના પાકનો નાશ કર્યો છે.
પોલીસે વધુમાં જણાવ્યા અનુસાર, જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા સ્થળ પર પહોંચ્યા, ત્યારે આરોપીઓએ તેમના પર પાઇપ, લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો પણ કર્યો હતો.
આ ઉપરાંત એફઆઈઆર મુજબ, આરોપીઓએ કથિત રીતે મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને ફરિયાદીની રિક્ષાને નુકસાન પણ પહોંચાડ્યું હતું. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેની માતા બધીબેન, પિતા જગાભાઈ અને અન્ય બે સંબંધીઓ પર હુમલો કર્યો હતો અને છ પીડિતોને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.SSS