દલિત યુવતી ઉપર થયેલા ગેંગરેપ અને હત્યાના બનાવમાં આમોદમાં ઘેરા પ્રત્યાઘાત
ગેંગરેપ અને હત્યાના આરોપીઓને ફાંસી આપવાની માંગ બુલંદ.
ભરૂચ: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક બળાત્કાર તેમજ હત્યા કરવાના બનાવમાં સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આમોદના દલિત સમાજ સાથે અન્ય સમાજે પણ ટેકો આપી મામલતદારને આવેદનપત્ર આપવા સાથે રેલીમાં રેલીમાં પણ જોડાયા હતા અને આરોપીઓને ફાંસી સજા આપવાની માંગ કરી હતી.તેમજ સમગ્ર બનાવમાં બેજવાબદારી દાખવાનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની એક ૧૯ વર્ષીય દલિત યુવતીનું પહેલી જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તેની સાથે ચાર જેટલા નરાધમોએ સામુહિક બળાત્કાર કરી તેની હત્યા કરી તેની લાશને વડલાના ઝાડ ઉપર લટકાવી દીધી હતી.જેથી દલિત સમાજમાં હત્યારાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.પાંચમી જાન્યુઆરીએ તેની વડલા નીચે લાશ લટકતી જોવા મળી હતી છતાં જવાબદાર અધિકારીઓએ બેજવાબદાર બની આરોપીઓને બચાવવાની નીંદનીય કામગીરી કરી હતી અને ત્યાર બાદ છેક સાતમી જાન્યુઆરીએ આરોપીઓ સામે પોલીસે ફરિયાદ લીધી હતી.
જેથી એક અપહરણ ગેંગરેપ તેમજ હત્યા જેવા બનાવમાં મોડાસાની પોલીસે આરોપીઓને બચાવવાની શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી.જેથી આમોદના દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ દલિત સમાજને સમર્થન આપી રેલીમાં જોડાયા હતા અને બેજવાબદારી દાખવાનાર પોલીસ અધિકારીઓ બરતરફ કરવાની માંગ કરી હતી. રેલીમાં જોડાયેલા દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી દલિત દીકરીને ન્યાય આપો અને તેના હત્યારાઓને ફાંસી આપોના સુત્રોચાર કર્યા હતા.તેમજ ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહો દલિતો ઉપર અત્યાચાર બંધ કરોના સુત્રોચાર સાથે હાથમાં દલિત દીકરીનો ફોટો રાખી બહેનો પણ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી.
મામલતદાર કચેરીએ પહોંચી રેલીમાં પધારેલા દલિત આગેવાનો તેમજ યુવાનોએ ભારે સુત્રોચાર કર્યા હતા.દલિત સમાજની દીકરી ઉપર થયેલા ગેંગરેપ અને હત્યાના બનાવમાં દલિત સમાજને સમર્થન આપવા માટે આમોદ તાલુકા પંચાયતના સદસ્ય મનહર પરમાર,નગ રપાલિકાના સદસ્ય સાજીદ રાણા,સલીમ રાણા,વિરોધ પક્ષના નેતા દિનેશ પરમાર,ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન પ્રભુદાસ મકવાણા,આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ વસાવા,આમોદ શહેર ભાજપના માજી મહામંત્રી કમલેશ સોલંકી,જિલ્લા ભાજપના આગેવાન પ્રહલાદ સોલંકી,સ્વયં સૈનિક દળના આગેવાનો,બજરંગ દળ અને આરએસએસના આગેવાનો પણ જોડાયા હતા.
આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ પોતાનો ગુસ્સો ઠાલવતા જણાવ્યું હતું કે દલિતો ઉપર વારંવાર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ પણ આરોપીઓને બચાવવા માટે સમયસર કાર્યવાહી કરતી નથી જેથી દલિત દીકરી ગેંગરેપ અને હત્યાનો ભોગ બની છે.જો સરકાર અમારા સમાજની સુરક્ષા ના કરી શકતી હોય તો અમને પણ સરકાર હથિયાર રાખવાની પરવાનગી આપે જેથી અમે પોતે જ અમારી માં બહેનો દીકરીઓની રક્ષા કરી લઈશું.