દવાખાના આર્થિક કતલખાના બન્યા છે ત્યારે ધારીના ડોકટર સેવાનું પ્રતીક

ડો. ભરાડ વર્ષોથી ગરીબોને નિઃશુલ્ક સારવાર દવા આપે છે, અબોલ પશુનો જઠરાગ્નિ ઠારે છે
ધારી, હાલના સમયમાં તબીબી ક્ષેત્રે વ્યવસાયિક અને નફાખોરીનું સાધન બની ગયું છે. સામાન્ય માણસ દવાખાનાનું નામ સાભળતાં જ સામે તબીબોની મસમોટી ફી અને ટેસ્ટ તથા દવાના ખર્ચથી ફફડી ઉઠે છે. ગરીબ લોકોની તો આનાથી વધુ હાલત ખરાબ છે.
ભગવાનનુ બીજુ સ્વરૂપ ગણાતા કેટલાક ડોકટર સેવાનો કે માનવતાનો ધરમ નિભાવતા નથી પરંતુ ધારીના ડોકટર વર્ષોથી ગરીબ લોકોને તદ્દન વિનામૂલ્યે સારવાર આપી દવા પણ મફત આપે છે તથા અબોલ પશુઓનો જઠરાગ્નિ ઠારે છે.
ધારીના ડો. મનુભાઈ ભરાડ વર્ષોથી તમામ ગરીબ દર્દીઓને મફત સારવાર આપે છે તથા દવા પણ મફત આપે છે.
તેમના કિલનીકમાં આવતા તમામ લોકોને કયારેય પૈસા કેટલા લેશે કે પૈસા નહિ હોય તેની ચિંતા રહેતી નથી. તેમજ તેઓ દરરોજ સવારમાં શ્વાનને રોટલા, રોટલી ખવડાવે છે તથા ગાયોને લીલો ઘાસચારો આપે છે.
તેઓએ જણાવ્યું હતું કે મારી કમાણીનો વધુમાં વધુ ખરચ હું આ અબોલ પશુઓને ખવરાવવામાં વાપરૂ છું તેમજ કોરોનાની ત્રીજી લહેર અંગે તેમણે જણાવ્યું હતું કે આ લહેર એટલી ઘાતક નહિ રહે. પરંતુ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
ધારીના સેવાભાવી અને વન્ય પ્રાણી પ્રેમી ડોકટર મનુભાઈ ભરાડ રોજ શ્વાનોને બિસ્કિટ રોટલા, મનરોગીને જમવાનું, ગાયોને રોટલા અને લીલી નિરણનો નિત્ય ક્રમ છે. ધારીના ડોકટર મનુભાઈ ભરાડે માનવતા અને સેવાનું જીવંત ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.