દશામાંના વ્રતની ઉજવણીમાં કોરોનાના સંક્રમણથી સુરક્ષા
ભરૂચમાં મૂર્તિઓને સેનીટાઈઝ કર્યા બાદ મોઢે પણ માસ્ક પહેરાવી લોકોને સાવચેતીનો સંદેશો પાઠવતા વેપારીઓ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: દશા સુધારતા દશામાંના વ્રતનો પ્રારંભ થવાને હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ભરૂચ માં કોરોનાના માહોલ વચ્ચે તેનાથી સુરક્ષા જાળવવા મૂર્તિ ને સેનીટાઈઝ કરી વેચાણ કરાઈ છે.તો માતાજી પણ માસ્ક સાથે જોવા મળી રહ્યા છે.ભરૂચ શહેર જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષો થી દશામાં ના વ્રતની ખૂબ મોટા પાયે ધામધૂમ પૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે.
દશામાં ના વ્રત પૂર્વે ભરૂચ ના બજારોમાં મૂર્તિઓ અને પૂજાપો તેમજ શણગાર ની હંગામી દુકાનો ઠેર ઠેર જોવા મળી રહી છે.જોકે આ વખતે કોરોના નો કહેર હોવાથી દુકાનદારો પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા સાથે વેચાણ કરી રહ્યા છે.માતાજી ની મૂર્તિને વેચાણ માટે અન્ય જીલ્લાઓ માંથી લાવવામાં આવતા તેને સેનીટાઈઝ કરવામાં આવી છે.તેમજ સોશ્યલ ડિસ્ટનસીસ ની પણ જાળવણી નું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.રૂપિયા ૨૦૦ થી ૨૫૦૦ સુધીમાં આ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યુ છે.આ વર્ષે મૂર્તિ ના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.તો દુકાનદારો લોકોને ભીડ કર્યા વિના વહેલાસર મૂર્તિ લઈ જવા પણ જણાવી રહ્યા છે.જેથી છેલ્લા સમયે ભીડ ન થાય.જોકે હજુ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા નથી.
વેપારી જગદીશ માછી એ જણાવ્યું હતું કે આગામી દિવસો માં દશામાં ના વ્રત નો પ્રારંભ થનાર છે.જેના કારણે બજાર માં મૂર્તિઓ નું આગમન થઈ રહ્યું છે અને મૂર્તિઓ આવી રહી છે.જે મૂર્તિઓ અન્ય જીલ્લાઓ માંથી મૂર્તિકારો દ્વારા બનવામાં આવી રહી છે તે મૂર્તિકારો પણ કોરોના સંક્રમિત હોય તો મૂર્તિ ખરીદનાર વેપારીઓ પણ કોરોના સંક્રમિત ન થાય તે માટે અમે લોકોની અને વેપારીઓની સુરક્ષાના ભાગરૂપે અન્ય જીલ્લાઓ માંથી આવતી મૂર્તિઓને સૅનેટાઈઝ કરી ટેમ્પા માંથી ઉતારી વેચાણ અર્થે મૂકી રહ્યા છે અને લોકો માં સાવચેતી નો સંદેશ ફેલાઈ તેના ભાગરૂપે માતાજી ને પણ મોઢે માસ્ક પહેરાવામાં આવ્યા છે.જેથી ભક્તો પણ કોરોના થી સાવચેત રહે અને માસ્ક નો ઉપયોગ કરે.
કોરોનાની અસર તમામ ધર્મોના તહેવારો,ઉત્સવોની ઉજવણી પર પડી છે.આમ છતાં લોકોનો ઉત્સાહ જળવાઈ રહે છે.દશામાં ની મૂર્તિઓ,પૂજાપા અને શણગારની ખરીદી ઉત્સાહ ભેર કરી રહ્યા છે.શ્રદ્ધાળુઓ દશામાં ના વ્રતની ઉજવણી દરમ્યાન કોરોનાનું વૈશ્વિક સંકટ ટળી જાય તેવી પ્રાર્થના સાથે ઉજવણી કરવાના હોવાનું જણાવી રહ્યા છે.
કોરોના ના સંક્રમણ છતાં પણ દશામાં ના વ્રતની ઉજવણીનો ઉત્સાહ લોકો માં જોવા મળી રહ્યો છે.જે ભારતીય સંસ્કૃતિ ની આગવી ઓળખ કહી શકાય.ત્યારે તંત્ર પણ તેના વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે તે પણ જરૂરી છે.