દસ્ક્રોઇના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા. સમૂહ લગ્નમાં ઠાકોર સમાજના ૫૧ નવ યુગલ પ્રભુતામાં પગલાં માંડી સુખી લગ્ન જીવનની શરૂઆત કરી હતી.
સમૂહલગ્નોત્સવનું જે.કે.ગૃપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.ઉનાળાની કાળઝાળ ગરમી ને લીધે સેન્ટ્રલી એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો, સંસદસભ્યો સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતો હાજરી આપવાના હોવાથી ખાસ પ્રકાસની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવયુગલોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહથી આવરી લેવાય તે સરકારની નેમ છે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ દંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહ લગ્નોત્સવની આ પ્રથામાં આજે દરેક સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે.