દસ દિવસ બાદ આખરે વૃષ્ટિ અને શિવમ હાથ લાગી ગયા
પોલીસ વૃષ્ટિ અને શિવમને લઇ અમદાવાદ તરફ રવાના- ઝડપાયેલા બંનેની પુછપરછનો સિલસિલો શરૂ
અમદાવાદ, નવરંગપુરામાંથી વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં આખરે દસ દિવસ બાદ વૃષ્ટિ અને શિવમને અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચની ટીમે શોધી કાઢયા છે. ક્રાઇમબ્રાંચે વૃષ્ટિ અને શિવમની ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી ભાળ મેળવી લીધી હતી અને તેમને લઇ અમદાવાદ આવવા રવાના થઇ હતી. દસ દિવસની ભારે શોધખોળ અને તપાસ બાદ આખરે વૃષ્ટિ અને શિવમની ભાળ મળતાં પરિવારજનોને પણ ભારે હાશકારો અને રાહત થયા છે.
લાપતા વૃષ્ટિ અને શિવમના કેસમાં બે દિવસ પહેલાં જ વૃષ્ટિના નામે તેની માતાને એક ઈમેલ મળ્યો હતો, જેમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માંગી હતી. તેને નોકરી મળી ગઈ છે અને સહી સલામત હોવાનું જણાવ્યું હતું. ઈમેલમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
વૃષ્ટિના નામે ઈમેલ મળતા નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઇપી એડ્રેસના આધારે ક્યાંથી ઈમેલ થયો છે તેની તપાસ હાથ ધરી હતી પરંતુ આ મેલ વૃષ્ટિએ મોકલ્યો નહી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ કેસમાં પોલીસે વૃષ્ટિની ભાળ મેળવવા લગાવેલા પોસ્ટરમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે, વૃષ્ટિ શરીરે મધ્યમ બાંધાની, રંગ શ્વેત, ઉંચાઈ આશરે ૫ ફૂટ ૧ ઈંચ છે. જ્યારે તેણી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે.
વૃષ્ટિએ ગુમ થયા સમયે લાલ રંગની કુર્તી અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેમજ તેણીના ડાબા હાથના કાંડાના ભાગે તથા ગરદનના નીચા ભાગે ટેટ્ટુ ત્રોફાવેલું છે. વૃષ્ટિ જશુભાઈ નામની ૨૩ વર્ષીય યુવતી છેલ્લા એક સપ્તાહથી ગુમ થઈ હતી, તેના પરિવારજનોએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગુમ થયા મામલે નોંધ કરાવી હતી. વૃષ્ટિને શોધવામાં સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન દ્વારા વૃષ્ટિના ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચે સંભાળી સીસીટીવી ફુટેજના આધારે વૃષ્ટિ-શિવમના લોકેશનની તપાસ હાથ ધરી હતી. પોલીસે વૃષ્ટિના માતા-પિતા અને પરિચિતોના પણ નિવેદન નોંધ્યા હતા. જા કે, દસ દિવસની સઘન શોધખોળ અને તપાસ બાદ ક્રાઇમબ્રાંચની ટીમોએ આખરે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી વૃષ્ટિ અને શિવમની ભાળ મેળવી લઇ તેમને ઝડપી લીધા હતા. પોલીસ બંને જણાંને લઇને અમદાવાદ આવવા રવાના થઇ ગઇ હતી.