દહેગામ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ

(પ્રતિનિધિ) ગાંધીનગર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે દહેગામ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી લોકસભાના સાસંદ હસમુખભાઇ પટેલ અને રાજયસભાના સાસંદ નરહરિ અમીનની ઉપસ્થિતમાં કરાઇ હતી. આ કાર્યક્રમ થકી આજે ગાંધીનગર જિલ્લાના ૩૬૦ લાભાર્થીઓને રૂપિયા ૪ કરોડથી વધુની રકમની સહાય ચુકવવામાં આવી હતી.
દીપ પ્રાગટય કરીને અમદાવાદ પૂર્વના લોકસભાના સંસદ સભ્ય હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાસનને સુશાસનમાં બદલવાનો ઉમદા પ્રયાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. સુશાસન એટલે સમાજનો સર્વાંગી વિકાસ થાય અને સમરસતા આવે.
સમાજના ઉત્થાન કરવા શિક્ષણએ પાયો છે. એટલે જ આ સરકારના શાસનમાં કન્યા કેળવણીને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. સમાજ શિક્ષિત બનશે તો અંધશ્રધ્ધા સાથે સાથે સમાજનો ઉત્થાન પણ થશે. દીકરીઓમાં શિક્ષણની માત્રા વધે તે માટે સરકાર દ્વારા અનેક શૈક્ષણિક સહાય અમલી બનાવી છે. તેમજ આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.