દહેજની યશશ્વી રસાયણને સરકારે ક્લોઝર નોટિસ આપી

બુધવારે આ એકમમાં ધડાકો થતાં નવનાં મોત થયાં હતાં અને 79ને ઈજા થઈ હતી.
ગાંધીનગર, શ્રમ વિભાગના નેજા હેઠળ કામગીરી કરતા ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) દ્વારા ભરૂચની યશસ્વી રસાયણ પ્રા. લિમિટેડને ક્લોઝર નોટિસ જારી કરી દીધી છે. આ કંપનીમાં બુધવારે ધડાકો થતાં 9 કામદારોનાં મોત થયાં હતાં અને અન્ય 79 લોકો ઘાયલ થયા હતા. દહેજમાં કેમિકલ એકમોનુ સેફટી ઓડિટ કરવાનો હુકમ પણ બહાર પાડવામાં આવ્યો છે.
ધડાકો થતાં આગ ઝડપથી પ્રસરી હતી અને ફેકટરીના બીજા એકમને પણ નુકશાન થયું હતું, આ અકસ્માતને કારણે 9 કામદારનાં મોત થયાં છે. 6 કામદારનાં સ્થળ પર જ તથા 3નાં હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્ય થયાં છે. ઈજા થયેલા 79 લોકોમાંથી 34ને રજા આપી દેવામાં આવી છે, જ્યારે 44ની તબિયત સ્થિર છે. એક કામદારની હાલત ગંભીર છે તેવુ એક વરિષ્ઠ અધિકારી જણાવે છે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે અકસ્માત થયાના થોડાક કલાકોમાં જ ફેકટરીને ક્લોઝર નોટિસ જારી કરી દેવામાં આવ્યો હતો.
મિત્રાએ જણાવ્યુ હતું કે “ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા યશસ્વી રસાયણ પ્રા. લિમિટેડને ફેકટરી એકટની કલમ 40(2) હેઠળ ક્લોઝર નોટિસ જારી કરવામાં આવ્યો છે. અમે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. કામદારોની સલામતિ ધ્યાનમાં રાખીને જ્યાં સુધી સુરક્ષાનાં પૂરતાં પગલાં નહી લેવામાં આવે ત્યાં સુધી આ એકમને કામગીરી શરૂ નહી કરવા દેવાય.”
મિત્રાએ વધુમાં જણાવ્યુ હતું કે અકસ્માતનુ જોખમ ધરાવતાં તમામ મોટાં એકમો તેમજ કેમિકલ એકમોનુ સેફટી ઓડિટ હાથ ધરવામાં આવશે અને ઓડિટમાં સૂચવાયેલી ભલામણોનુ પાલન નહી કરનાર એકમો સામે આકરાં પગલાં ભરવામાં આવશે. મિત્રાએ એવી પણ માહિતી આપી હતી કે યશસ્વી રસાયણ પ્રા. લિમિટેડના મેનેજમેન્ટે મૃત્યુ પામેલા દરેક કામદારના વારસદારને રૂ. પાંચ લાખની એક્સ ગ્રેશીયા સહાયની જાહેરાત કરી છે.
અવસાન પામેલા કામદારોના વારસદાર ને વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ઘટના અંગે તપાસની કાર્યવાહિ પ્રગતિમાં છે.