દહેજની લાલચમાં પત્નીને ઘરમાં જ સળગાવી દીધી, પડોશીઓએ પૂછ્યું શાની ગંધ આવે છે તો કહ્યું હું માંસ બનાવું છું

કોલકત્તા, પશ્ચિમ બંગાળના આસનસોલમાં પતિની ક્રૂરતાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને ઘરમાં જ જીવતી સળગાવીને મારી નાખી હતી. પડોશીઓએ તેને પૂછ્યું કે દુર્ગંધ આવે છે, શું બળી રહ્યું છે ? તો પતિએ કહ્યું કે હું માંસ રાંધું છું. પાડોશીઓને આશંકા જતાં તેઓએ ઘરમાં જાેતા તેમના હોશ ઉડી ગયા હતા. બાદમાં પોલીસે જાણ કરતા ચાર આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
આસનસોલના જમુરિયાના નિઘા વિસ્તારની રહેવાસી કંચન નોનિયાના લગ્ન ૨૦૧૫માં આસનસોલ દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના ધેમોમેન કોલિયરીના રહેવાસી સુધીર નોનિયા સાથે થયા હતા. ગુરુવારે પાડોશીઓએ સુધીરના ઘરમાં કંઈ સળગતું જાેયું.
ધુમાડા અને દુર્ગંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુધીરે જણાવ્યું કે ઘરમાં માંસ બનાવી રહ્યો છું, પાડોશીઓ ઘરની અંદર ગયા તો ખબર પડી કે તે કંચનના શરીરને સળગાવી રહ્યો હતો. કેટલાક લોકોએ પોતાના મોબાઈલથી કંચન સળગતા દ્રશ્યનો વીડિયો બનાવ્યો હતો. કંચનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કંચનના પરિવારના જણાવ્યાં અનુસાર સુધીરે લગ્ન દરમિયાન ૩ લાખ રૂપિયા દહેજ તરીકે લીધા હતા. સુધીર અને તેના પરિવારે કંચન પર દહેજ લાવવા દબાણ કર્યું હતું. તેને ૨૦,૦૦૦ રૂપિયાનું બ્લેઝર જાેઈતું હતું. પુત્રીએ કહ્યું હતુ કે જાે પૈસા નહીં આપો તો સાસરિયાવાળા મને મારી નાખશે.તે સાચું બહાર આવ્યું છે. ઘટનાની માહિતી મળ્યાં બાદ પોલીસે કંચનના પતિ સુધીર, સસરા ગુલાબ નોનિયા,સાસુ મૈના દેવી અને જમાઈ અર્જુન નોનિયાની ધરપકડ કરી લીધી છે.
મહિલાને સળગાવવામાં આવી રહી હતી. તે સમયે તેમનો દોઢ વર્ષનો પુત્ર બાજુના રૂમમાં ઉંઘતો હતો. મહિલા તેના બાળકને ખવડાવીને બીજા રૂમમાં સુવા માટે મૂકીને આવી હતી.દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. મહિલાનો પતિ બેરોજગાર હતો.
પોલીસની પૂછપરછમાં સુધીર મોઢું ખોલી રહ્યો નથી. વારંવાર તે એક જ જવાબ આપી રહ્યો છે કે ઘટના કેવી રીતે બની, અમને તેની ખબર નથી. પોલીસ આ ઘટના અંગે પડોશીઓને પૂછપરછ કરી રહી છે.HS