દહેજપ્રથાને જાકારો આપવાની પ્રતિજ્ઞા લઈને 47 દિવ્યાંગ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
- દિવ્યાંગ અને વંચિત યુગલો માટે 34મા “શાહી લગ્ન સમારંભ”માં 47 દિવ્યાંગ દંપતિઓએ જીવનનો નવો તબક્કો શરૂ કર્યો
- નારાયણ સેવા સંસ્થાને ઉદેપુરમાં 34મા શાહી સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું
ઉદેપુર, નારાયણ સેવા સંસ્થાને યોજેલા 34મા શાહી સમૂહ લગ્ન સમારંભમાં 47 દિવ્યાંગ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ દંપતિઓએ સમૂહ લગ્નમાં સામેલ થઈને દહેજપ્રથાને જાકારો આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. 30થી વધારે દંપતિઓ કરેક્ટિવ સર્જરીમાંથી પસાર થયા છે અને નારાયણ સેવા સંસ્થાનમાંથી રોજગારલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય મેળવી રહ્યાં છે. એનજીઓએ તેમને રોજગારી આપવા થોડા દંપતિઓની ભરતી પણ કરી છે, જે તેમને નાણાકીય રીતે સ્વનિર્ભર અને રોજગારી મેળવવાને લાયક બનાવશે.
34મા શાહી સમૂહ લગ્ન સમારંભ દરમિયાન આ દંપતિઓને પહ્મશ્રી કૈલાશ “માનવ” અગ્રવાલ, નારાયણ સેવા સંસ્થાનાં સ્થાપક કમલા દેવી અગ્રવાલ, પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલ, ડાયરેક્ટર વંદના અગ્રવાલનાં આશીર્વાદ મળ્યા હતા.
પ્રતાપગઢનાં રામુકુમારી અને ગણપત જેવા કુલ 47 દંપતિઓ લગ્નગ્રંથિથી જોડાઈને ખુશ થયા હતા. રામુકુમારી અને ગણપતનો સંઘર્ષ અલગ હતો, ખાસ કરીને તેમણે તેમના પિતા ગુમાવ્યા પછી મુશ્કેલીઓ બહુ પડી હતી. બંને પોલિયોથી પીડિત છે. બંને લગ્ન કરીને સ્થાયી થવા ઇચ્છતાં હતાં, પણ તેમની દિવ્યાંગતા એમને આડે આવતી હતી. આ કારણે તેઓ જીવનસાથી બની શકતા નહોતા.
લગ્ન પછી ગણપત બહુ ખુશ હતો અને એણે કહ્યું હતું કે, “અમે બંને બહુ નિરાશ હતા અને સેટલ થવાની આશા ગુમાવી બેઠા હતા. નારાયણ સેવા સંસ્થાન અમારા જીવનમાં વળાંક સમાન છે, જ્યાં અમે એકબીજાને મળ્યાં હતાં અને એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હવે અમે સારું જીવન જીવી શકીશું. અમે એક પગલું આગળ વધીને દહેજ ન લેવા માટે અન્ય દંપતિઓ માટે ઉદાહરણ પૂરું પાડવા ઇચ્છીએ છીએ. અમે અમારાં જીવનનાં નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. અમે દહેજપ્રથાને જાકારો આપ્યો છે.”
અન્ય એક દંપતિ અરવિંદ અને સોનમનાં લગ્ન નારાયણ સેવા સંસ્થાનને સમૂહ લગ્ન સમારંભમાં થયા છે. ગણપત અને રામુ કુમારી જેવા દંપતિએ પણ દહેજ નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. નવવધૂ સોનમે કહ્યું હતું કે “શારીરિક સમસ્યાઓ અને નાણાકીય ખેંચને કારણે યોગ્ય જીવનસાથી મેળવવામાં બહુ મુશ્કેલી પડ છે. અમને સમૂહ લગ્ન સમારંભમાં લગ્ન કરવાનો આનંદ છે તથા અમને આશા છે કે, અમે સારું સહજીવન માણીશું. અમે જાણીએ છીએ કે, આ બહુ સરળ નથી, પણ સંયુક્તપણે અમે હાથમાં હાથ મિલાવીને તમામ અવરોધો પાર પાડીશું.”
અત્યાર સુધી સંસ્થાને 2051થી વધારે દિવ્યાંગ અને વંચિત દંપતિઓને પરંપરાગત લગ્ન સમારંભોમાં લગ્નગ્રંથિથી જોડાવા માટે મંચ પ્રદાન કર્યો છે.
આ સમારંભ દરમિયાન 47 દંપતિઓને ઘરવખરીની ચીજવસ્તુઓ, સાડીઓ અને હજારો લોકોનાં આશીર્વાદ મળ્યાં હતા. લગ્નમાં ફોટોગ્રાફી, વરઘોડો, વીડિયોગ્રાફી, સંગીત, બગ્ગી, લગ્ન સાથે સંબંધિત તમામ રીતિરિવાજો વગેરે તમામ સામાન્ય લગ્ન જેવી સુવિધા પ્રદાન કરવામાં આવી હતી.
નારાયણ સેવા સંસ્થાનનાં પ્રેસિડન્ટ શ્રી પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “જે દંપતિઓ દિવ્યાંગ હોય છે એમને નાણાકીય ખેંચ અને શારીરિક મુશ્કેલીઓને કારણે લગ્ન કરવામાં બહુ મુશ્કેલી પડે છે. આ તમામ દંપતિઓની જરૂરિયાતો પૂર્ણ કરવાની સામાજિક જવાબદારી આપણી છે અને તેમને અન્ય દંપતિઓની જેમ સામાન્ય જીવન તરફ દોરી જવા અમે સમાધાન પૂરાં પાડીએ છીએ. આ પ્લેટફોર્મ ઘણા લોકોને તેમના જીવનસાથી પૂરાં પાડે છે અને તેમના જીવનમાં પૂરક બને એવી વ્યક્તિને મેળવી આપે છે. વળી સમૂહ લગ્ન સમારંભ ભવિષ્યમાં આ તમામ દંપતિઓ માટે ઉપકારક બનશે, જેનો ઉદ્દેશ સામાજિક સર્વસમાવેશકતા ઊભી કરવાનો, સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો, દરેક દિવ્યાંગ વ્યક્તિને જવાબદાર બનાવવાનો છે, જેથી તેઓ સમાજનાં મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકે છે અને તેમના જીવનને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.”
એનએસએસએ 35 વર્ષથી કૃત્રિમ અંગોનું વિતરણ, કૌશલ્ય શિક્ષણ, હેલ્થકેર સપોર્ટ, નિઃશુલ્ક ભોજન, પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જેવી વિવિધ વિકાસલક્ષી કામગીરીઓ શરૂ કરી છે તેમજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં મહત્તમ દિવ્યાંગ લોકોને જોડવા તેમના માટે સામૂહિક લગ્નસમારંભનું આયોજન પણ કરે છે. ‘વર્લ્ડ ઓફ હ્યુમિનિટી’ ફાઉન્ડેશન દ્વારા અમારા પ્રયાસો ફ્રી કરેક્ટિવ સર્જરી ઓફર કરવા, રમતગમત જેવા કૌશલ્ય વિકસાવવા પ્રોત્સાહન આપવાના છે.