દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ ન આપતાં પુત્રવધૂની હત્યા કરી
ચંડીગઢ: દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ રૂપિયા નહીં આપવાના કારણે પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ ઘટના હરિયાણાના માલબ ગામની છે. પોલીસે આ મામલામાં ૪ લોકો પતિ, સસરા, સાસુ અને નણંદની વિરુદ્ધ સોમવારે દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસે નૂંહ સીએચસીમાં પુત્રવધૂના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેને પરિજનોને સોંપી દીધો. અત્યાર સુધી આરોપીઓની ધરપકડ નથી થઈ. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે.
મૃતક નાહિદા (૨૦)ના પિતા ઇકબાલે પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તેમની દીકરીના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ માલબ ગામના ઇનામ મોહમ્મદ સાથે થયા હતા. લગ્નમાં તેમની આર્થિક સ્થિતિ મુજબ દીકરીને સામાન આપ્યો હતો પરંતુ સાસરિયા પક્ષના લોકો ખુશ ન થયા અને લગ્નના બીજા દિવસથી જ તેમની દીકરીને દહેજ માટે હેરાન કરવા લાગ્યા. ત્યારબાદ દીકરી પીયર આવી ગઈ.
દહેજની માંગને લઈને દીકરીને લઈને તેના સાસરીયા પાસે ગયા તો ક્રેટા કાર અને બે લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. આ મામલાને લઈ અનેકવાર પંચાયત થઈ. ત્યારબાદ દીકરીને સાસરિયાવાળા લઈ ગયા. એક સપ્તાહ બાદ ફરીથી દીકરીને દહેજ માટે પરેશાન કરવા લાગ્યા અને દહેજની ડિમાન્ડ પૂરી ન કરવા પર આખી રાત મારતા રહ્યા. ત્યારબાદ બે લાખ અને ક્રેટા કારની ડિમાન્ડ પૂરી ન કરવા પર દીકરીને મારી નાખવાની ધમકી આપતા રહ્યા. ૨૮ માર્ચની બપોરે સસરા જાન મોહમ્મદનો ફોન આવ્યો કે નાહિદાની તબીયત ખરાબ છે.
જ્યારે નાહિદાના પરિજનો તેના સાસરીયે પહોંચ્યા તો દીકરી મૃત હાલતમાં જાેવા મળી. પીડિત પિતાએ કહ્યું કે દહેજની ડિમાન્ડ પૂરી ન કરતાં પતિ ઈનામ, સસરા જાન મોહમ્મદ, સાસુ અને નણંદે મળીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. બીજી તરફ આકેડા પોલીસ ચોકીના ઇન્ચાર્જ બલબીરે જણાવ્યું કે ચારેય આરોપીઓની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ મામલાની આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.