દહેજમાં ફોર્ચ્યુનર-૨૦ લાખ માંગનાર વરરાજાએ માફી માંગી
કરનાલ, હરિયાણાના કરનાલ જિલ્લામાં લગ્ન સમયે દહેજમાં ફોર્ચ્યુનર ગાડી, ૨૦ લાખ રૂપિયા અને સોનાની ચેઇન માંગનાર વરરાજાએ હવે મીડિયા સામે સાર્વજનિક રૂપથી માફી માંગી લીધી છે. તમને જણાવી દઈએ જીંદ નિવાસી નસીબના લગ્ન કોમલ સાથે થવાના હતા. જાેકે લગ્નના ફેરા દરમિયાન દહેજની માંગણી કરતા લગ્ન અટકી ગયા હતા.
નસીબ મેઘાલયમાં કૃષિ વિભાગમાં વૈજ્ઞાનિક છે. જ્યારે કોમલ હરિયાણા શિક્ષા વિભાગમાં લીગલ એડવાઇઝર છે. યુવતીવાળાનો આરોપ છે કે યુવક અને તેમના પરિવારજનોએ સોનાની ચેઇનની ડિમાન્ડ કરીને હંગામો શરૂ કર્યો હતો.
પછી ૨૦ લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર ગાડીની માંગણી કરી હતી. જ્યારે આ ડિમાન્ડ પુરી ના થઇ તો વરરાજાએ લગ્નના ફેરા ફરવાની ના પાડી હતી.
આ મામલે રોજ નવા મોડ આવે છે. યુવક પક્ષ તરફથી એક રેકોર્ડિંગ સામે આવી છે જેમાં તે ગાડી માટે ના પાડી રહ્યો છે. પોલીસે આ મામલે યુવક, તેના પિતા અને ભાઈ સામે કાર્યવાહી શરૂ કરી હતી. હરિયાણા મહિલા આયોગે પણ આ મામલો સંજ્ઞાનમાં લીધો હતો. હવે આ કેસમાં યુવકે દેશ અને યુવતીના પરિવારની માફી માંગી લીધી છે.
વરરાજા નસીબે કહ્યું કે હું આખા દેશની માફી માંગું છું. દહેજ સમાજમાં મોટું દૂષણ છે, લોકો મને માફ કરે. લોકો આવા કામ ના કરે જેનાથી કોઇની ભાવનાને ઠેસ પહોંચે. ભણેલા-ગણેલા લોકોએ આનાથી દૂર રહેવું જાેઈએ. મારી ભૂલ થઇ હવે હું આવું ક્યારેય કરીશ નહીં. બીજાને પણ સંદેશો આપીશ કે પોતાના આદર્શ પર રહો, સચ્ચાઇ સાથે રહો.
નસીબે આગળ કહ્યું કે યુવતી અને તેના પરિવારની પણ માફી માંગું છું. હું પોતાની ભૂલ માનું છું. હું ઇચ્છું છું કે વિવાદ ખતમ થઇ જાય. બન્ને પરિવારો વચ્ચે મતભેદ ના રહે. માર્ચમાં મારો સંબંધ નક્કી થયો હતો. જે રેકોર્ડિંગ મેં મીડિયામાં આપ્યું હતું તે એકથી બે મહિના જૂનું હતું. બન્ને પરિવારો વચ્ચે સમજુતી થઇ ગઈ છે. હું તે પરિવારની ઇજ્જત કરું છું.
યુવતીના પિતા યોગેન્દ્રએ કહ્યું કે યુવકના પરિવારજનો અમારી પાસે રાતના ૧ વાગે ૨૦ લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર ગાડી માંગી રહ્યા હતા અને હવે ઓડિયો વાયરલ કરી રહ્યા છે જે ઘણો જૂનો છે. જેનાથી મારી પુત્રી ઘણી પરેશાન છે. અમે આખી રાત તેમના પગે પડ્યા હતા. અમે કરી પણ શું શકતા હતા. પુત્રીના લગ્ન બચાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે માન્યા ન હતા. જાે તે લોકો હવે માફી માંગી રહ્યા છે તો ઠીક છે. પુત્રીના ઉજ્જવળ ભવિષ્ય માટે બધું જ કરીશ.SSS