દહેજ ખાતે દિપક કેમટેક 2026 સુધીમાં ૧પ૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે
રાજ્ય સરકાર અને દિપક કેમટેક વચ્ચે રૂ. પ૦૦૦ કરોડના MoU સંપન્ન થયા-ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને સાકાર કરવા માટે રાજ્ય સરકારનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ કદમ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને અનુસરી રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ગુજરાતને સેલ્ફ રિલાયન્ટ બનવા માટે મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારે દિપક કેમટેક લિમિટેડ-DCTL સાથે રૂ. પાંચ હજાર કરોડના મૂડીરોકાણ માટેના MoU ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કર્યા હતા.
રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર અને DCTLના ડિરેક્ટર શ્રી મેઘવ મહેતાએ આ MoUની આપ-લે કરી હતી.
આ MoU અંતર્ગત દિપક કેમટેક લિમિટેડ દહેજ ખાતે કુલ રૂ. પ૦૦૦ કરોડના મૂડીરોકાણથી સ્પેશિયાલિટી કેમિક્લ્સ, ફીનોલ/એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરવા માટેના ૩ પ્રોજેક્ટ સ્થાપશે, પરિણામે ૧પ૦૦ લોકોને રોજગારીના અવસર મળશે. આ પ્રોજેક્ટસ વર્ષ ર૦ર૬-ર૭ સુધીમાં કાર્યરત થશે તેમ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક નીતિઓ અને તેના ફળસ્વરૂપે ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં થઈ રહેલા મૂડી રોકાણની વિસ્તૃત વિગતો આપી હતી.
આ પ્રસંગે DCTLની પેરેન્ટ કંપની દિપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન શ્રી દિપક મહેતાએ રાજ્ય સરકારે કોવિડ મહામારીના સમયગાળામાં ઉદ્યોગોને કરેલી મદદ અને પ્રોત્સાહન સહાયને ખાસ બિરદાવ્યાં હતાં.
શ્રી મહેતાએ જણાવ્યું કે, પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીયરીનું વર્તમાન માર્કેટ ૧૮૦ બિલિયન યુ.એસ. ડોલર છે જે થોડા વર્ષોમાં વધીને ૬પ૦ બિલિયન યુ.એસ. ડોલર થઇ જશે. ગુજરાત આ ક્ષેત્રે પ૦% એટલે કે ૩૦૦ બિલિયન ડોલરની કિંમતના પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટનું ઉત્પાદન કરવાની ક્ષમતાં કેળવી શકે છે ઉપરાંત કેમિકલ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી સંદિપ સાગલે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.