દહેજ માગીને ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ
અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ યુવતીનો પતિ સટ્ટો રમવા લાગ્યો હતો. સટ્ટામાં તે હારી જત સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને દબાણ કરતા પત્નીએ પૈસા લાવી આપ્યા હતાં. ફરીવાર પણ આવું જ થયું અને પત્નીને પૈસા લાવવાનું કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સટ્ટામાં દેવું થઈ જતા યુવતીને ત્રાસ અને દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૭માં નિકોલ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીને માલુમ પડ્યું કે તેનો પતિ સટ્ટો રમવાની ટેવ ધરાવે છે. લગ્નના ત્રણેક માસ બાદ યુવતીના પતિએ સટ્ટામાં દેવું થઈ ગયું હોવાનું જણાવી સસરા પાસે પૈસા માંગ્યા હતા.
યુવતીના પિતાએ દીકરીના ઘરને સાચવવા માટે જમાઈએ કરેલું દેવું ભરપાઈ કરી આપ્યું હતું. થોડા સમય બાદ યુવતીને તેનો પતિ નાની નાની બાબતોમાં માર મારવા લાગ્યો હતો. યુવતી તેની સાસુ-સસરાને ફરિયાદ કરે તો તેઓ કહેતા કે, અમારો દીકરો તો સીધો છે.
તારો જ કોઈ વાંક હશે. એટલું જ નહીં યુવતીના સસરાએ નવો ધંધો શરૂ કરવો છે તેમ કહીને પિયરમાંથી બે લાખ લઈ આવવા આ યુવતીને જણાવ્યું હતું. જેથી યુવતીએ કહ્યું કે અગાઉ તેના પિતાએ દેવું ભરપાઈ કરી આપ્યું છે. વારંવાર તે પિતા પાસે પૈસાની માંગણી નહીં કરે.
જેથી સાસુ-સસરા અને પતિએ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કરી તેણીને એકવાર ઘરમાંથી કાઢી મૂકી હતી. પૈસા લઈને આવીશ તો જ રાખીશું, નહીં તો ભવિષ્યમાં ઘણું ભોગવવા તૈયાર રહેજે’ એવું કહી યુવતીને ધમકી આપી હતી.
સોમવારે યુવતીના પતિએ ઘરે આવવાનું કહેવા ફોન કર્યો તો યુવતીએ માતા-પિતાને પૂછ્યા વગર ન આવી શકું તેમ કહેતા તેનો પતિ આવેશમાં આવી ગયો અને યુવતીના પિતાને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો હતો. જેથી યુવતીએ કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.SSS