દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષીત સમાજનું નિર્માણ થઇ રહ્યું છે.
બનાસકાંઠા જીલ્લાના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધા.
(માહિતી બ્યુરો પાલનપુર) વિકાસ અને સુશાસન માટે ગુજરાત દેશનાં અન્ય રાજયો માટે આદર્શ અને પ્રેરણાદાયી છે. રાજયભરમાં છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી વિકાસયાત્રા સફળતાપૂર્વક પહોંચી શકી છે. શિક્ષણથી જ વિકાસ અને સુખ-સમૃધ્ધિ આવે છે.
એ હકીકતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિરાટ કામગીરી કરવામાં આવી છે. રાજયભરમાં ઠેરઠેર પુરતી સંખ્યામાં શાળાઓ અને વિવિધ ફેકલ્ટીની કોલેજો, આઇ.ટી.આઇ., પોલીટેકનીક વગેરે ઉપલબ્ધ બનાવાઇ છે. પરિણામે વિધાર્થીઓ માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક કક્ષા સુધી સરસ અભ્યાસ કરીને પોતાની પસંદગીની ફેકલ્ટીની કોલેજમાં એડમિશન મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયમાં તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસકૂચ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકા મહદઅંશે ડુંગરાળ અને આદિજાતિ વસતિ ધરાવે છે. સરકારશ્રી દ્વારા પ્રતિવર્ષ યોજાતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અભિયાનને આ તાલુકાઓમાં પણ જબરદસ્ત સફળતા મળી છે. આ અભિયાનને લીધે જ વિધાર્થીઓ અને વાલીઓની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થતાં સૌ કોઇને શિક્ષણનું મહત્વ સમજાયું છે. આદિજાતિ વાલીઓ કાળજીપૂર્વક પોતાનાં બાળકોને ભણાવી રહ્યાં છે.
પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી પાલનપુર દ્વારા આદિજાતિ વિસ્તારના બાળકોને તેમના જ તાલુકામાં ઉચ્ચ સુવિધા ધરાવતી ૨- એકલવ્ય રેસીડેન્સીયલ સ્કુલ, ૫- ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કુલ તથા ૨-મોડેલ સ્કુલ એમ કુલ ૯ શાળાઓ કાર્યરત છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ ની સ્થિતીએ ૩૨૭૦ વિધાર્થીઓને શિક્ષણની સુવિધા આપવામાં આવી છે. ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં આદિજાતિ વિધાર્થીઓનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૦ ટકા આવ્યું છે. આદિજાતિ વિસ્તારની શાળાઓમાં ધો. ૧૧ તથા ૧૨ સાયન્સ પ્રવાહના વર્ગો કાર્યરત છે. જેમાં અધતન સાધનો ધરાવતી સાયન્સ લેબની સુવિધા ઉપલબ્ધ છે.
આદિજાતિ વિકાસની મદદનીશ કમિશનર કચેરી પાલનપુર દ્વારા બનાસકાંઠા જીલ્લામાં ત્રણ આદર્શ નિવાસી શાળા કાર્યરત છે. જેમાં જોરાપુરા-અમીરગઢ અને અંબાજી ખાતે કન્યા આદર્શ નિવાસી શાળા આવેલી છે. જયારે દાંતા ખાતે કુમારો માટે આદર્શ નિવાસી શાળા આવેલી છે. જેમાં જોરાપુરા-અમીરગઢ અને અંબાજીની શાળાઓમાં દિકરીઓની સંખ્યા ૪૦૦ છે. તથા દાંતા ખાતે કુમારોની સંખ્યા ૧૬૦ છે. ધો. ૧ થી ૧૨ સુધીની આ શાળાઓમાં સાયન્સ પ્રવાહની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં અન્ય ચાર છાત્રાલય આવેલા છે. જેમાં ત્રણ કુમારો માટે અને એક દિકરીઓ માટે છે. કુમારો માટે માન્ય સંખ્યા ૫૦-૫૦ છે. જયારે દિકરીઓ માટે માન્ય સંખ્યા ૭૦ છે.
ઉપરાંત આદિજાતિ વિધાર્થીઓ જે તે શાળા/કોલેજની નજીકમાં રહી અભ્યાસ કરી શકે તે માટે સરકારી તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ મારફત છાત્રાલયો ચલાવવામાં આવે છે. બનાસકાંઠા જીલ્લામાં કુમાર- ૨ તથા કન્યા-૧ મળી કુલ-૩ સરકારી છાત્રાલયો ચલાવવામાં આવે છે. જયારે ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ધો. ૫ થી ૧૨ ના વિધાર્થીઓ માટે ૧૮ છાત્રાલયો જયારે વિધાર્થીનીઓ માટે ૬ મળી કુલ ૨૪ છાત્રાલયો ચલાવવામાં આવે છે. આદિજાતિ વિકાસ ખાતા દ્વારા પ્રતિભાશાળી વિધાર્થીઓ શૈક્ષણીક ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તે હેતુથી રહેવા, જમવા, ભણવાની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગણવેશ, તેલ, સાબુ સહીત તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં આદિજાતિ વિધાર્થીઓ માટે અનુદાનીત ૨૧ આશ્રમશાળાઓ, ૪ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ તેમજ ૧ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ચાલે છે. સહાયક અનુદાનના ધોરણે કન્યાઓ માટે ૬ છાત્રાલયો અને કુમારો માટે ૨૨ છાત્રાલયો ચલાવવામાં આવે છે. વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને રહેવા, જમવા, નાસ્તા ઉપરાંત ગણવેશ, સ્કુલબેગ, પાઠ્યપુસ્તકો, નોટબુકો સહિતની સ્ટેશનરી, સ્પોર્ટસ યુનિફોર્મ, સેરેમની ડ્રેસ, બુટ અને સ્લીપર વગેરે
EMRS, LLGRS શાળાઓમાં પૌષ્ટિક ભોજન, નાસ્તો તેમજ દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધના પાઉચ, સાબુ,શેમ્પુ, બ્રશ-ટુથપેસ્ટ,કાંસકો,બોડી લોશન, સેનેટરી પેડ જેવી સામગ્રી આપવામાં આવે છે. અભ્યાસ સાથે રમત- ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અભ્યાસમાં નબળા બાળકો માટે અલગથી પ્રશિક્ષણ આપવામાં આવે છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના ડુંગરાળ અને વન વિસ્તારમાં આવેલ ઉચ્ચતર માધ્યમિક સાયન્સ પ્રવાહની સરકારી આદર્શ નિવાસી કન્યા શાળાઓના લેબમાં આદિજાતિ વિધાર્થીનીઓને સાયન્સના વિવિધ પ્રયોગો કરતાં જોઇએ ત્યારે આનંદ અને વિશ્વાસ થાય કે સરકારશ્રીની સહાયના સથવારે બહુ ઝડપથી આદર્શ, શિક્ષીત અને સમૃધ્ધ સમાજનું નિર્માણ આદિજાતિ વિસ્તારોમાં થઇ રહ્યું છે. આલેખન- માનસિંહ સિસોદીયા