દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર વિરુદ્ધ પ્રોડકશન વોરન્ટ જારી

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસ પ્રકરણે કોર્ટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર વિરુદ્ધ પ્રોડકશન વોરન્ટ જારી કર્યું હતું. ખંડણીના અનેક ગુનામાં સંડોવાયેલો ઇકબાલ કાસકર હાલ થાણેની જેલમાં છે.
પ્રોડકશન વોરન્ટ જારી કરનારા વિશેષ જજ એમ.જી. દેશપાંડેએ ૧૮ ફેબ્રુઆરીએ આરોપીને કોર્ટમાં હાજર કરવાની જવાબદારી ઇડીને સોંપી હતી.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ પ્રકરણે તપાસ કરી રહેલી ઇડીએ મંગળવારે દાઉદ સાથે કડી ધરાવતા ૧૦ સ્થળે સર્ચ હાથ ધરી હતી અને તેના બીજે દિવસે ઇકબાલ કાસકરની પૂછપરછ કરવાની ઇડીને જરૂર પડી હતી.
અંડરવર્લ્ડ, ગેરકાયદે પ્રોપર્ટી ડીલ્સ અને હવાલા ટ્રાન્ઝેકશન્સ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ઇડીએ દાઉદ સાથે કડી ધરાવતા નવ અને થાણેના એક સ્થળે સર્ચ હાથ ધરી હતી.
નાગપાડામાં દાઉદની બહેન હસીના પારકર જ્યાં રહેતી હતી ત્યાં પણ ઇડીની ટીમ પહોંચી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરમાં દાઉદ ઇબ્રાહિમ અને અન્ય છ જણ વિરુદ્ધ દાખલ કરેલા એફઆઇઆઇ પર ઇડીનો આ કેસ આધારિત છે.HS