દાઉદ ઇબ્રાહિમે પરિવારને પાકિસ્તાનની બહાર મોકલી દીધો ? મસૂદ અઝહર સામેનાં પગલાં પછી ડૉન ગભરાયો હોવાના અહેવાલ
ઇસ્લામાબાદ, આંતરરાષ્ટ્રીય ગુનેગાર અને ડૉનના હુલામણા નામે જાણીતા દાઉદ ઇબ્રાહિમે પોતાના પરિવારને પાકિસ્તાનની બહાર મોકલી આપ્યાના અહેવાલ વહેતા થયા હતા.
ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે (એફએટીએફએ) આતંકવાદને નાણાં આપવાના મુદ્દે પાકિસ્તાનને ઘેર્યા પછી અને એને બ્લેકલિસ્ટ કરવાના સંજોગો સર્જાયા પછી પાકિસ્તાને ખૂંખાર આતંકવાદી અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મનાતા મસૂદ અઝહર તથા ઝકીઉર રહેમાન સામે કડક પગલાં લીધાં હતાં.
મસૂદ સામે પગલાં લેવાયાં બાદ દાઉદ ગભરાયો હતો અને એણે અગમચેતી રૂપે પોતાના પરિવારને પાકિસ્તાનની બહાર મોકલી આપ્યો હતો એવા અહેવાલ વહેતા થયા હતા. દાઉદના પુત્ર અને બે નાનાભાઇઓ પાકિસ્તાનની બહાર ચાલ્યા ગયા હતા. આમ પણ દાઉદનો એક નાનોભાઇ મુસ્તકીમ અલી કાસકર પહેલેથી દૂબઇમાં વસી ગયો છે અને એ સંયુક્ત આરબ અમીરાત, બહેરીન તથા કતારમાં ડી કંપનીના કાયદેસરના ધંધા સંભાળે છે. સંયુક્ત આરબ અમીરાતમાં મુસ્તકીમની ગારમેન્ટ ફેક્ટરી છે. એ દાઉદના બીજા સગાંસંબંધીની પણ કાળજી લે છે. તાજેતરમાં જેમને કરાચીથી દૂબઇ મોકલી આપવામાં આવ્યા એ બધા મુસ્તકીમની દેખરેખ તળે દૂબઇમાં સ્થાયી થયા છે.
દાઉદ પોતે કરાચીના ડિફેન્સ હાઉસિંગ એરિયામાં રહે છે. એના ભાઇ અનીસ ઇબ્રાહિમ પણ છેલ્લાં બે સપ્તાહથી કરાચીમાં દેખાયો નથી. દાઉદનો ખાસ માણસ મનાતો અને એનાં મોટા ભાગનાં કામકાજ સંભાળતો છોટા શકીલ પણ કરાચીમાં દેખાતો નથી.
અત્યાર અગાઉ દાઉદની મોટી પુત્રી માહરુખ માટે પોર્ટુગલના પાસપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રે એ યાદ કરવા જેવું છે કે માહરુખનાં લગ્ન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે થયા હતા. દાઉદ પોતે હજુ પણ કરાચીમાં હોવાના અહેવાલ હતા.