Western Times News

Gujarati News

દાખલ થનાર દર્દીઓએ એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે

Files Photo

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોની મદદે આવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં તંત્ર ક્યાંક વામણું સાબિત થઇ રહ્યું છે અને તેના જ કારણે સામાજિક સંસ્થાઓ આ લડાઈમાં આગળ આવી છે. ત્રીજી મે, ૨૦૨૧ મંગળવારના રોજથી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એસ.એન.કે સ્કૂલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દાખલ કરવામાં આવશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા કોવિડ કેર સેન્ટરને ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર એસ એન કે સ્કૂલ ખાતે બનાવવામાં આવ્યું છે. કોવિડ કેર સેન્ટરની શરૂઆત ૫૦ બેડથી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહીં શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર ૬૩૫૮૮ ૪૫૬૮૪ પર કૉલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે ૮ વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જે તે દિવસની જેટલા બેડની કેપેસિટી હશે તેટલા જ કૉલ એટેન્ડ કરશે.

જાે આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે આઠ વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરી શકે છે. સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં કોઈ પણ જાતનું વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવશે નહીં.

રોજે રોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે ચાન્સ આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે. ટીજીઈએસના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલના તબક્કે ૫૦ બેડથી શરૂઆત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ૫૦૦ બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

જ્યારે આઇસીયૂની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ નથી. સેન્ટરની તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે એચસીજી ગ્રુપ સાથે જાેડાણ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમણે અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.