Western Times News

Gujarati News

દાણાપીઠ ફાયર સ્ટેશનના ટેન્ડર નવેસરથી જાહેર થશે

પ્રતિકાત્મક તસવીર

રિવરફ્રંટના બંધ સીસીટીવી ચાલુ કરવા અધિકારીઓને તાકિદ: હિતેષભાઈ બારોટ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનને ત્રણ વર્ષ અગાઉ તોડી પાડયા બાદ હજી સુધી નવુ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યુ નથી હવે તેના જુના ટેન્ડર રદ કરી નવા ટેન્ડર જાહેર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જયારે ૧પમા નાણાંપંચની ગ્રાન્ટ શહેરની સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટિ હિતેષભાઈ બારોટ, મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે કમિટીના જીરો અવર્સ દરમિયાન રિવરફ્રંટ પર લગાવેલ ૪ર સીસીટીવી બંધ હોવા અંગે વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

શહેરના ઐતિહાસિક ગાંધી આશ્રમનું રૂા.૧ર૦૦ કરોડના ખર્ચથી ડેવલોપમેન્ટ થઈ રહયું છે ત્યારે તેનું કામ શરૂ થયા બાદ ટ્રાફિક સમસ્યા ગંભીર ન બને તેનુ ધ્યાન રાખવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા RO પરમીટ ઈશ્યુ કર્યા બાદ જે કામ થયા હોય તે સ્થળે ઝડપથી રોડ બનાવવા જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

કમિટિ બેઠકમાં વીએસ સ્મશાન ગૃહમાં નવી સીએનજી ભઠ્ઠી લગાવવા તેમજ નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરતા પહેલા કલર કામ કરવાના કામને મંજુરી આપવામાં આવી છે. શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં રૂા.૯.૧૯ કરોડના ખર્ચથી ઓવર હેડ ટાંકી, વસ્ત્રાલ વોર્ડમાં મ્યુનિ. પ્લોટો ફરતે રૂા.૮૩ લાખના ખર્ચથી કંપાઉન્ડ વોલ અને થલતેજ વોર્ડમાં રૂા.૩.૭૬ લાખના ખર્ચથી કોમ્યુનીટી હોલ બનાવવાના કામને મંજુરી આપવામાં આવી છે.

શહેરના દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડી તેના સ્થાને નવુ ફાયર સ્ટેશન અને પાર્કિંગ બનાવવા માટે ત્રણ વર્ષ અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો જેના માટે ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યા હતાં પરંતુ શરત ચુકથી કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ન હતો. દરમિયાન આર્કોલોજી વિભાગની પરમીશનમાં વિલંબ થવાના કારણે ફાયર સ્ટેશનનું કામ શરૂ થઈ શકયું ન હતું. લગભગ દોઢ વર્ષ બાદ એએસઆઈની પરમીશન મળી ત્યારે કોન્ટ્રાકટરે ભાવ વધારાની માંગણી કરી હતી જેની ગણતરી કરતા મંજુર થયેલ ટેન્ડર કરતા રૂા.૪ કરોડ વધુ ચુકવવાના થતા હતા તેથી જુના ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર જાહેર કરવા માટે કમીટીમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

બજાર કિંમત કરતા ઉંચી કિંમતે લેપટોપની ખરીદી
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી તરફથી ૧૯ર કોર્પોરેટરો અને ૪૦ કરતા વધુ ઉચ્ચ અધિકારીઓ માટે જે લેપટોપની ખરીદી માટે રૂા.૭પ હજાર ફાળવવામાં આવ્યા છે તે લેપટોપની બજાર કિંમત ઘણી જ ઓછી હોવાની વિગતો બહાર આવી છે. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ કોર્પોરેટરો માટે intel i5 11th gen./8 GB Ram/ 14” 500gb SSD ખરીદ કરવા ભલામણ કરવામાં આવી છે જેના માટે લેપટોપ દીઠ રૂા.૭પ હજાર ખર્ચ કરવામાં આવશે પરંતુ સદર લેપટોપની બજાર કિંમત રૂા.પ૯.પ૦૦ છે જયારે પ્રિન્ટર માટે કોર્પોરેટર દીઠ રૂા.૧પ હજાર ફાળવવામાં આવ્યા છે પરંતુ સારી કંપનીના પ્રિન્ટરની બજાર કિંમત વધુમાં વધુ ૭પ૦૦ છે આમ મ્યુનિ. તંત્ર દ્વારા લેપટોપ દીઠ રૂા.૧પ,પ૦૦ અને પ્રિન્ટર દીઠ રૂા.૭પ૦૦ વધારે ચુકવવામાં આવી રહયા છે જેનો બોજ પ્રજા પર જ આવશે તે નિશ્ચિત છે.

જાતે ટ્‌વીટ ન કરી શકતા મ્યુનિ. હોદ્દેદારો લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરશે ?ઃ ચર્ચા
મ્યુનિ. કોર્પોરેશન તરફથી ર૦૦પની સાલથી દર પાંચ વર્ષે કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવી રહયા છે પરંતુ હજી સુધી પ્રજાકીય કામો માટે લેપટોપનો ઉપયોગ થતો હોય તેવા કિસ્સા જાેવા મળ્યા નથી.

શહેરના ૧૯ર કોર્પોરેટર પૈકી લગભગ પ૦ ટકા કોર્પોરેટરનો અભ્યાસ ધો.૧૦ કે ધો.૧ર સુધીનો જ છે તેમજ મોટાભાગના કોર્પોરેટરો પાસે તેમના અંગત આઈડી હોય તેવી શક્યતા ઓછી છે. છેલ્લી બે કે ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાતા મહાનુભવો પાસે નિયમ મુજબ બે ત્રણ લેપટોપ હોય શકે છે.

પરંતુ આ મહાનુભાવો દ્વારા લેપટોપના માધ્યમથી પ્રજાકીય કામોની ફરિયાદ કરવામાં આવી હોય કે તેઓ વોર્ડ ઓફિસમાં લેપટોપ સાથે લઈને ગયા હોય તેમ જાેવા મળ્યુ નથી. નોંધનીય બાબત એ છે કે મ્યુનિ. હોદ્દેદારો, મ્યુનિ. કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર કક્ષાના અધિકારીઓ પાસે તેમનો અંગત સ્ટાફ હોય છે તથા તેમની ઓફિસમાં બે થી ત્રણ કોમ્પ્યૂટર પણ હોય છે આ સંજાેગોમાં તેઓ લેપટોપનો ઉપયોગ કરે તેવી કોઈ જ શક્યતા નથી તેમ છતાં પ્રજાના રૂપિયાનો ધુમાડો કરવા સૌ એક સાથે તૈયાર થઈ ગયા છે.

આ મહાનુભાવો જાતે ટ્‌વીટ પણ કરી શકતા નથી તેના માટે પણ દર વર્ષે લાખો રૂપિયા ચુકવીને ખાનગી એજન્સીઓનો સહારો લેવો પડે છે તેવા સંજાેગોમાં તેઓ લેપટોપનો ઉપયોગ કેટલો અને કેવો કરશે તે પ્રશ્નાર્થ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.