દાણીલીમડાઃ આંગણવાડી નજીક દારૂનું કટીંગ કરતાં ત્રણ ફરારઃ ૧૫૬ બોટલો જપ્ત
(પ્રતિનિધિ)અમદાવાદ: શહેર પોલીસે બુટલેગરો તથા ખેપિયાઓ સામે લાલ આંખ કરતાં રોજે રોજ વિવિધ વિસ્તારોમાંથી દારૂ પકડાઈ રહ્યો છે. આ સ્થિતિમાં દાણીલીમડામાં આંગણવાડી નજીકથી દારૂનું કટીંગ કરતી વખતે પોલીસે કાર્યવાહી કરી ૮૦ હજારનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જ્યારે રીક્ષામાં દારૂની ખેપ મારતાં એક ઈસમને પણ રામોલ પોલીસે જથ્થા સાથે ઝડપી લીધો છે.
આ અંગેની વિગત એવી છે કે, દાણીલીમડા પોલીસે બાતમીને આધારે શુક્રવારે સવારે સાડા પાંચ વાગ્યાનાં અરસામાં તિરકરવાસ આંગણવાડીની ગલીમાં કાર્યવાહી કરી હતી. જ્યાં રીઢો બુટલેગર શાહબાઝખાન ઉર્ફે ટીપુ શરીફખાન પઠાણ (શફી મંઝીલ, શાહેઆલમ) તથા અન્ય બે શખ્સો ઈંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હતા. પોલીસની રેડ પડતાં જ અંધારાનો લાભ લઈ ત્રણેય ભાગી છુટ્યા હતા. પોલીસે કાર સહિત રૂપિયા ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે રામોલ પોલીસે પણ માહિતીને આધારે ગુરૂવારે મોડી રાત્રે વોચ ગોઠવીને એક્ષપ્રેસ હાઈવે બસ સ્ટોપ નજીકથી એક રીક્ષાને અટકાવી હતી. તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૨૯ હજારનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રીક્ષા ચાલક મોહમંદ અબ્દુલ્લાહ શેખ (પીડબલ્યુડીનાં છાપરા, ચંડોળા તળાવ, દાણીલીમડા)આ જથ્થો નરોડાથી ભરી લાવી નારોલ તરફ જતો હતો. પોલીસે દારૂ મંગાવનાર તથા મોકલનાર શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.