Western Times News

Gujarati News

દાણીલીમડાના ભુવા રોડ પર ડ્રેનેજ રી-હેબનું કામ સફળતાપૂર્વક પૂર્ણ

ચાર વર્ષ બાદ જનમાર્ગ બસો કોરીડોરમાં દોડી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ભુવા અને બ્રેકડાઉન સામાન્ય બાબત છે. શહેરના તમામ વિસ્તાર અને રોડ પર એકાદ-બે વખત તો ભુવા પડ્યા જ હશે પરંતુ દક્ષિણ ઝોનમાં એક રોડ એવો છે જેને “ભુવા રોડ” તરીકે જ ઓળખવામાં આવતો હતો. આ રોડ પર દર મહીને બે-ત્રણ ભુવા પડતા હતા જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ ટ્રાફિક વ્યવસ્થા ખોટવાઈ ગઈ હતી તેમજ જનમાર્ગની બસ મીક્ષ ટ્રાફિકમાં દોડાવવાની ફરજ પડી હતી. બહેરામપુરા વોર્ડના મુસ્લીમ સોસાયટીથી સાબરમતી નદી સુધીના અંદાજે દોઢ કિલોમીટર લંબાઈના રોડથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતા પરંતુ મ્યુનિ. ડ્રેનેજ વિભાગના અધિકારીઓની સતત આકરી મહેનત બાદ ભુવા- બ્રેકડાઉન રોડ પર ફરીથી ટ્રાફિક ધમધમવા લાગ્યો છે.

શહેરના બહેરામપુરા વોર્ડમાં દાણીલીમડા ચાર રસ્તાથી ખોડીયારનગર થઈ સાબરમતી નદી સુધીનો રોડ છેલ્લા ત્રણ વર્ષથી લગભગ બંધ હતો. સદ્‌ર રોડ પર છાશવારે બ્રેકડાઉન અને ભુવા પડતા હોવાથી તેને “ભુવા રોડ”નું નામ આપવામાં આવ્યુ હતું. આ રોડ પર બ્રેકડાઉન કે ભુવા પડવા માટેનું મુખ્ય કારણ કેમીકલયુક્ત પાણી હોવાનું માનવામાં આવે છે. ખોડીયારનગર અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક પ્રોસેસ હાઉસ આવેલા છે. આ પ્રોસેસ હાઉસના સંચાલકો દ્વારા ડ્રેનેજ લાઈનમાં કેમીકલ અને એસિડયુક્ત પાણી છોડવામાં આવતા હોવાની ફરીયાદો અવાર નવાર થતી રહી છે.

મુસ્લીમ સોસાયટીથી ખોડીયારનગર ચાર રસ્તા થઈ નદી સુધીની ડ્રેનેજ લાઈન લગભગ ૪૦ વર્ષ જુની છે. કેમીકલ અને એસીડીક વોટરના કારણે પાઈપની ઉપરનો ભાગ (ક્રાઉન) લગભગ તુટી ગયો હતો. જેના કારણે વારંવાર બ્રેકડાઉન થતા હતા. મ્યુનિ. ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા સદ્‌ર લાઈનને રીહેબ કરવામાં આવી છે ખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ અંદાજે ૧૮૦૦ ડાયામીટરની લાઈનમાં જી.આર.પી. પ્રકારથી રીહેબીલીટેશન કરવામાં આવ્યું છે. જેના માટે બે વર્ષ કરતા વધુ સમય થયો છે

તેમજ અંદાજે રૂા.૧પ કરોડનો ખર્ચ થયો છે. મુસ્લીમ સોસાયટીથી સાબરમતી નદી સુધી ડ્રેનેજ લાઈન રીહેબીલીટેશનનું કામ પૂર્ણ થઈ ગયુ છે તેથી ડ્રેનેજનનું પાણી રીવરફ્રન્ટની ઈન્ટરસેપ્ટર લાઈનમાં છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ઈન્ટરસેપ્ટર લાઈનથી સુઅરેજ વોટરને પીરાણા ૧૮૦ એમએલડી એસટીપી ખાતે લઈ જવામાં આવે છે. ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થયા બાદ આ રોડ પર ગ્રાઉન્ટીંડનું કામ પણ પુર્ણ કરવામાં આવ્યુ છે. તેથી ટ્રાફિક માટે અવર જવર સરળ બની છે તેમજ લગભગ ત્રણ વર્ષ બાદ જનમાર્ગની બસ તેના કોરીડોરમાં દોડવા લાગી છે.

ખોડીયારનગર વિસ્તારની લાઈનનું કામ પુર્ણ થવાના કારણે બહેરામપુરા, દાણીલીમડા તેમજ મણીનગર વોર્ડમાં ડ્રેનેજ ઓવરફલોની ફરીયાદોમાં ઘટાડો થશે તેમજ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે તદ્‌પરાંત આ લાઈનમાં વારંવાર થતા મોટા સેટલમેન્ટ અને બ્રેકડાઉનમાં પણ ઘટાડો થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.