દાણીલીમડામાં સ્કુટરની ડેકીમાંથી વેપારીના રૂ.દસ લાખની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : બેક તથા આંગડીયા પેઢી જેવી જગ્યાએ રેકી કર્યા બાદ મોટી રકમ મેળવીને જતાં વ્યક્તિઓનો પીછો કરીને તેમની બેગ કે સ્કુટરની ડેકીમાંથી રોકડ રકમની ચોરી થવાની ઘટનાઓમાં હાલના દિવસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી ઘટનાઓમાં મોટેભાગે તસ્કરો વ્યક્તિઓનો ઉપર નજર રાખ્યા બાદ તેમની પાછળ જઈને ગુનાને અંજામ આપતા હોય છે.
આવી જ વધુ એક ઘટના દાણીલીમડા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે. વેપારી આંગડીયામાં આવેલા રૂ.૧૦ લાખની રોકડ લઈ મિત્રની ફેકટરીમાં ગયા ત્યાં જ અગાઉથી જ નજર રાખી રહેલા તસ્કરોએ તેમના સ્કુટરની ડેકી તોડીને રૂ.દસ લાખની ચોરી કરી હતી. આ ઘટના બાદ દાણીલીમડા પોલીસ સક્રીય થઈ છે. અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સંજય કિશનલાલ મહીપાલ નામના વેપારી પાલડી ખાતે રહે છે. અને અગાઉ દાણીલીમડા પીરાણા રોડ ખાતે ભંગારનો વ્યવસાય કરતાં હતા. જા કે ધંધામાં ખોટ જતાં તેમણે ધંધો બંધ કરી દીધો હતો.
બાદમાં બેરલ માર્કેેટ નજીક આવેલા ઈલાબેન એસ્ટેટમાં મહાદેવ ટ્રેડીંગ નામની તેમનો મિત્ર કેતનભાઈની ફેકટરીમાં સંજયભાઈ પોતાનું ટેબલ-ખુરશી મુક્યા હતા. શુક્રવારે તેમના નાનાભાઈ વિસ્મભાભાઈ મહીપાલે નારોલ ખાતે આવેલી પીએમ આંગડીયા પેઢીમાં રૂ.દસ લાખની રકમ મોકલી હતી. જે સંજયભાઈએ મેળવીને પોતાના સ્કુટરની ડેકીમાં મુકી હતી. નારોલ ખાતેથી તે પોતાના મિત્રની ફેકટરીએ પહોંચ્યા હતા.
આશરે સાડા પાંચ વાગ્યે પોતાના ખુરશી અને ટેબલ એક લોડીંગ રીક્ષામાં ભરાવીને પોણા છ વાગ્યાના સુમારે તે પરત ફર્યા હતા. અને તરસ લાગતાં સ્કુટરમાંથી પાણીની બોટલ કાઢવા જતાં રોકડ ભરેલી થેલી ગાયબ હતી.ે જેથી ચોંકી ઉઠેલા સંજયભાઈએ બુમાબુમ કરી મુકતા લોકો એકત્ર થઈ ગયા હતા. જા કે તેમ છતાં ચોર તસ્કરો મળી આવ્યા નહોતા.
આ ઘટના બાદ સંજયભાઈ પોતાના ભાઈ તથા ભત્રીજા સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેમની ફરીયાદ લઈને આગળ તપાસ હાથ ધરી છે.