Western Times News

Gujarati News

દાતાશ્રીના સહયોગથી ખાનગી શાળાને ટક્કર મારે  તેવી સુંદર શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે :કલેકટરશ્રી સંદીપ સાગલે

(માહિતી બ્યુરો, પાલનપુર):  પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ.૧૮.૫૦ લાખના ખર્ચથી નવનિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળા અને મુખ્ય શાળા મીરાંગેટનું કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે દાતાશ્રી અરૂણકુમાર શાહના દાનથી ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સુંદર સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.


તેમણે કહ્યું કે, આજથી હોળાષ્‍ટકની શરૂઆત થાય છે. સામાન્ય રીતે હોળાષ્‍ટકના સમયમાં સારું કાર્ય કરતા નથી. પરંતું શિક્ષણ જેવા શ્રેષ્‍ઠ કાર્યમાં હોળાષ્‍ટક પણ નડતા નથી એટલે જ આજે આ શાળા અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. કલેકટરશ્રીએ દાતાશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકારી શાળાના શિક્ષકશ્રીઓ અને સીઆરસીશ્રી રહીમખાન પઠાણમાં વિશ્વાસ મુકી દાતાશ્રીએ માતબર રકમનું દાન શાળાના રિનોવેશન અને સ્માર્ટ ક્લાસ માટે આપ્‍યું છે

જે બદલ વહીવટીતંત્ર તરફથી તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં વધુ સંખ્યામાં સ્માર્ટ ક્લાસ બને તે દિશામાં આયોજન હાથ ધરાશે. તેમણે જણાવ્યું કે, ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી સરકારી પ્રા. શાળાઓમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે. જે સરકારી તંત્રમાં લોકોનો વિશ્વાસ વધુ મજબુત બન્યો છે તેની પ્રતિતિ કરાવે છે. સ્માર્ટ ક્લાસના શિક્ષણ સાથે બાળકોની કલ્પના શક્તિ વિકસાવવા સમૃધ્ધ લાયબ્રેરી વિકસાવવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ વાલીઓને વિનંતી કરતાં જણાવ્યું કે, આપણા બાળકોને સવારે સરસ તૈયાર કરી, નખ કાપી, વાળ ઓળી નિયમતિ શાળાએ મોકલીએ જેનાથી અભ્યાસમાં એકાગ્રતા આવશે. તેમણે શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે, સમાજ તમારી પાસે ઘણી આશાઓ અને અપેક્ષાઓ રાખતો હોય છે, તેમની અપેક્ષાઓ પુરી કરવા પુરતી મહેનત કરી અપડેટ રહી બાળકોને વિશેષ માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડી તેમના ભવિષ્‍ય નિર્માણમાં સહભાગી બનીએ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ જણાવ્યું કે, સમયની સાથે ટેકનોલોજી ખુબ ઝડપથી બદલાઇ રહી છે ત્યારે શિક્ષણમાં સ્માર્ટ ક્લાસ જરૂરી છે. તેમણે કહ્યું કે, રાજય સરકારે સ્માર્ટ ક્લાસ બનાવવાનું આયોજન કરી તે દિશામાં કામગીરી શરૂ કરી છે. જિલ્લા વિકાસ વિકાસ અધિકારીશ્રીએ સ્માર્ટ ક્લાસ અને શાળાના નવ નિર્માણ માટે દાન આપનાર દાતાશ્રીને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે, ખાનગી શાળાઓમાંથી સરકારી પ્રા. શાળાઓમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યાની દ્રષ્‍ટી બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્‍મીબેન કરેણે જણાવ્યું કે, ખાનગી શાળા કરતાં પણ સારી સુવિધા ધરાવતી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી શાળા બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ પ્રાથમિક શાળામાં સરકારે ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકોની મેરીટના આધારે ભરતી કરી છે એ શિક્ષકો તમને ભણાવી રહ્યા છે અને આપણા બાળકોના સોનેરી ભવિષ્‍યનું નિર્માણ કરી રહ્યા છે. પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ મિત્રોને પણ પોતાના બાળકો આ શાળામાં ભણાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સી.આર.સી. શ્રી રહીમખાન પઠાણે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આભારવિધિ નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડાએ કરી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રીમતી નિરૂબા રાજપૂત, બી.આર.સી.શ્રી આનંદભાઇ મોદી, આચાર્ય શ્રીમતી મધુબેન બાદરપુરીયા સહિત શાળાનો સ્ટાફ, પોલીસ પરિવાર અને વિધાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.