દાદરા નગર હવેલીના સાંસદે માંદોની અને સિંદોની પંચાયતની લીધેલી મુલાકાત
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે ગત રોજ પ્રદેશના અંતરિયાળ વિસ્તાર માંદોની અને સિંદોની પટેલાદની મુલાકાત લીધી હતી.આ મુલાકાત ખાસ કરીને ગરીબ આદિવાસી પરિવારોને સરકારી યોજનાઓનો લાભ અને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે કરવામાં આવી હતી .
સાંસદ કલાબેન ડેલકર જિલ્લા પંચાયત અધ્યક્ષા નિશાબેન ભાવર, દિપક પ્રધાન, ડૉ. ટી.પી.ચૌહાણ, સરપંચ, જિલ્લા પંચાયત સભ્યો સહિતની ટીમ સાથે સૌપ્રથમ સિંદોની પંચાયતના બેડપા ગામના વડપાડા પહોંચ્યા હતા. ત્યારબાદ મૂળગામ , બેલપાડા ,ખેડપા નવાપાડા અને સિંદોની પાટિલપાડાની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ જાણકારી મેળવી હતી.
માંદોની પંચાયતમાં વાંસદા દેવીપાડા, બરવડપાડા,માંદોની ગામના પટેલપાડા, ચિસદા ખોકરપાડા અને રબડપાડાની મુલાકાત લીધી હતી.આ સમગ્ર વિઝીટ દરમિયાન જે લોકોના ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચી શક્યું નથી તેવા લોકોના ઘરોની આજુબાજુ ટાંકીની સગવડો કરી ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાવવામાં આવશે
તેવું આશ્વાસન સાંસદ કલાબેન ડેલકરે આપ્યું હતું. આ સિવાય કાચા રસ્તાઓને પાકા કરવા અને જ્યાં હજુ સુધી રોડ બન્યા નથી,અને લોકોને ખાસ જરૂર છે ત્યાં નવા રોડ બનાવી આપવા માટે પ્રશાસનમાં રજૂઆતો કરી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે.
અને કેટલાક ફળીયાઓમાં રાત્રીના સમયે અવરજવર માટે લાઇટની સગવડો નથી તેવા સ્થાઓએ લાઇટની પણ સગવડો કરાવી આપવામાં આવશે .ગરીબ આદિવાસી પરિવારોને ઘર આંગણે રોજગાર મળે તે માટે લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કરાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવશે તેવી જાણકારી સાંસદ કલાબેન ડેલકરે આ મુલાકાત દરમિયાન આપી હતી.