Western Times News

Gujarati News

દાદીઓના પ્રેમે અન્નનળી વિના જન્મેલા પૌત્રને જીવાડ્યો

અમદાવાદ: ૩ જુલાઈએ ૧ વર્ષના મોહમ્મદ ઉમર મલેકે શહેરની એક હોસ્પિટલમાં  પહેલીવાર એક ચમચી દૂધ પીધું. નજીવી કહેવાતી આ ઘટનાએ ખુરશીદા અને સાબેરા મલેક નામની બે બહેનો અને આ બાળકની દાદીઓના આંખમાં હર્ષના આંસુ લાવી દીધા. પેટ સુધીની અન્નનળી વિના જન્મેલા આ બાળકને બચાવવા માટે તેની દાદીઓએ એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો.

શહેરના પિડિયાટ્રિક સર્જન ડા. અનિરુદ્‌ધ શાહે કહ્યું, ‘ફળ વેચતા ફેરિયાનો દીકરો ઉમર દુર્લભ ખામી સાથે જન્મ્યો હતો. ખેડાના ફ્રૂટવાળાના દીકરાના શરીરમાં અન્નનળી જ નહોતી સાથે આંતરડા અને પેટ વચ્ચે બ્લોકેજ હતું. આ સ્થિતિને ઈસોફેજિઅલ આર્ટેસિયા (અન્નનળીનો અભાવ) અને ડ્યૂએડેનલ આર્ટેસિયા (આંતરડા અને પેટ વચ્ચે બ્લોકેજ) કહેવાય છે. આ બંનેમાંથી કોઈ એક સ્થિતિ હોવી અસામાન્ય છે પરંતુ બંને સ્થિતિ એકસાથે હોય તે દુર્લભ છે. આવા માત્ર ૧૩ કેસ નોંધાયેલા છે. પ્રેક્ટિકલી  કહીએ તો બાળક ભોજન ના ખાઈ શકે કારણકે તેના શરીરમાં અન્નનળી વિકસી જ નથી.

૬૦થી વધુની ઉંમરની બંને બહેનો ખુરશીદા અને સાબેરાએ બે ભાઈઓ સાથે લગ્ન કર્યા છે. આ બંને બહેનોએ બાળકને જીવતું રાખવા માટે પોતાનો જીવ રેડી દીધો. ડાક્ટરો કહી ચૂક્યા હતા કે બાળકના બચવાના ચાન્સ ખૂબ ઓછા છે.

જન્મના બીજા જ દિવસે ઉમરની સર્જરી કરવામાં આવી હતી. ડાક્ટરોએ આંતરડા અને પેટ વચ્ચેનો બ્લોકેજ દૂર કર્યો હતો. ડાક્ટરોએ બાળકના પેટમાં નળી ઉતારી હતી જેથી તેની અન્નનળી તૈયાર થાય ત્યાં સુધીમાં અહીંથી ખોરાક લઈ શકે. ડાક્ટરોએ કહ્યું હતું આગામી સર્જરી ઉમર આઠ મહિનાનો થાય પછી જ થઈ શકે તેમ છે.

ઉમરની સર્જરી કરનારા પિડિયાટ્રિક સર્જન ડા. અમર શાહે કહ્યું, “ઉમરની મમ્મી તેના બીજા બાળકની સંભાળ રાખવા પાછળ વ્યસ્ત હોવાથી તેની બંને દાદીઓએ તેનું ધ્યાન રાખ્યું. દર બે કલાકે ઉમરને ખોરાક મળે તે સુનિશ્ચિત  કર્યું. ઉમરને કેવી રીતે ખવડાવવું તે બંને દાદીઓએ ધ્યાનપૂર્વક હોસ્પિટલમાંથી શીખી લીધું અને તેનું બરાબર પાલન કર્યું. જ્યારે પણ બાળકની નળી નીકળી જાય ત્યારે તેઓ પરિવારને જણાવતા અને તેને હોસ્પિટલ  લઈ જતા હતા. બાળકનું પોષણસ્તર જળવાઈ રહે તે જરૂરી હતું. સર્જરી માટે તેને તંદુરસ્ત રાખવો જરૂરી હતો.”

ઉમરનું ધ્યાન રાખવા માટે બંને દાદીઓએ ટાઈમટેબલ બનાવી લીધું હતું. સાબેરા મલેક સવારે વહેલા ઉઠીને ઘરના સભ્યોનું ટિફિન બનાવી દેતા અને આખો દિવસ ઉમરનું ધ્યાન રાખતા હતા . સાંજે ૮ વાગ્યાથી ઉમરને સંભાળવાની જવાબદારી ખુરશીદા મલેક ઉપાડતા હતા અને સાબેરાબેન આરામ કરતા હતા.

ઉમરની સર્જરી અઢી કલાક ચાલી હતી. ડાક્ટરોએ પેટથી શરૂ કરીને હૃદયની પાછળથી છાતીમાં અને ત્યાંથી ગળા સુધી ટનલ બનાવી હતી. બાદમાં પેટને ટનલની અંદર ખેંચીને અન્નનળીના ઉપલા ભાગ સાથે જોડી દીધું. ડા. અનિરુદ્‌ધ શાહ, ડા. અમર શાહ અને ડા. પ્રતિક શાહની ટીમે બાળકનું ઓપરેશન કર્યું હતું. તેમણે કહ્યું, ખૂબ જોખમી ઓપરેશન હતું પરંતુ બાળક તરફથી સરસ પ્રતિક્રિયા  મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.