Western Times News

Gujarati News

દાનનું મહત્ત્વઃ “તરતદાન એ મહાપુણ્ય”

આ વાકય કેટલું સુંદર છે પણ વગર વિચારે કરેલું દાનનું મહત્વ કેટલું? ઉત્તમમાં ઉત્તમદાન કયું? એનો વિચાર કર્યો છે કોઈ દિવસ કે પછી બસ દાન કરવું એટલે કરવું. તમે કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે તમે જે દાન કરો છો એની ખરેખર જરૂર સામે વ્યકિતને છે ખરી? તો પછી ચડસાચડસી અને કેવળ નામના મેળવવા માટે કરેલાં દાનનું મહત્ત્વ કેટલું? મારો આવા દાતાઓને એક સવાલ છે કે તમે જે દાનમાં રકમ આપો છો તો એ જાણવાની કોશિશ કરી કે તેનો સદ્‌ઉપયોગ થાય છે કે નહીં?

કદાચિત આપણે એવું તો નથી કરતાંને કે ભુખ્યાંના મોઢાંમાંથી કોડિયો લઈને ઓડકાર ખાતાં હોય એવાને ખવડાવતાં હોઈએ. દાતાઓને એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે તમે એવી કોઈ વ્યકિત કે મંડળને દાન નથી કરતાં ને જે પોતના જ પેટ ભરતાં હોય?

ઘણાં સમાજમાં નોટબુક જેવી વસ્તુઓ દાતાઓ તરફથી દાનમાં આપવામાં આવે છે પણ મારો આ દાતાઓને એક પ્રશ્ન છે તમે જે દાન કરો છો તેની ખરેખર એ વિદ્યાર્થીને જરૂર છે? શું એના માતાપિતા નોટબુક આપવામાં સક્ષમ નથી? તો તમે કરેલાં દાનનું મહત્ત્વ કેટલું?

પહેલાં તો આપણે દાનનાં પ્રકાર જાણવા જોઈએ. દાનના પ્રકાર કેટલાં તો સૌથી પહેલું જીવતાજીવત રકતદાન અને અવયવદાન જે સૌથી ઉત્તમ શ્રેણીમાં આવે પછી મૃત્યુ પછી નેત્રદાન, ત્વચાદાન અને દેહદાન અને એમાં પણ સૌથી મહાન હોય તો વિદ્યાદાન તો પછી આપણે એવા બાળકોની મદદ શુંકામ ન કરીએ જેમના માતાપિતા ફી ભરવામાં સક્ષમ ન હોય.

આજે નામ કમાવવા માટે લાખો રૂપિયાની નોટબુક ઉપર પોતાનું નામ છપાવીને વિતરણમાં અથવા તો બીજી વસ્તુદાન કરવામાં બગાડી નાખીએ છીએ પણ કોઈ દિવસ એ જાણવાની કોશિશ કરી કે આની જરૂર કેટલી? કારણ સ્કુલોમાં આ નોટબુક ચાલતી પણ નથી તો પછી ફકત રફબુક બનાવવા માટે કરેલું દાન શ્રેષ્ઠ શ્રેણીમાં મૂકી શકાય? જયારે સમાજમાં આવા પ્રકારના દાન થાય છે ત્યારે દાતાઓ ભુલી જાય છે કે એક વિદ્યાર્થીને આની જરૂર કયારે પડે છે

જયારે એની સ્કુલ ફી ભરાઈ ગઈ હોય. તો આપણે એવા વિદ્યાથીને મદદ કરીએ જેને ખરેખર જરૂર હોય પછી ભલેને આપણે એમાંથી ૧ વિદ્યાર્થીની સહાય કેમ ન કરીએ. શું આવા પ્રકારનું દાન ઉત્તમ નહીં ગણાય? પછી કોને ખબર કાલે એ વિદ્યાર્થી સક્ષમ બનીને બીજા દસ વિદ્યાર્થીનો ભણતરનો ખર્ચ ઉપાડે. મારા ઘ્‌યાનમાં આવી એક વ્યકિત છે મનીષાબેન વ્યાસ જે લગભગ ૨૫૦ બાળકોની સ્કુલની ફી ભરે છે એના દ્વારેથી કોઈ ખાલી હાથ જતું જ નથી.

મનીષાબેન પણ સમજીવિચારીને યોગ્ય તપાસ કરીને દાન કરે છે. તો બોલો દાતાઓ આવા પ્રકારનું દાન ઉત્તમ દાન નથી. મનીષાબહેન પાસે આવતાં ગરીબ માતાપિતાની દુઆઓથી જ મનીષાબહેન આવા કાર્ય કરી શકે છે. ખરેખર આવી મહાન વિભૂતિને ઘન્ય છે.

દોસ્તો જયારે તમે ઉત્તમકક્ષાના દાનને સમજી જશો તો તમે કરેલાં દાનનું મહત્વ અનેક ગણુ વઘી જશે. કદાચિત કોઈ તેજસ્વી વિદ્યાર્થીને ઉડવા માટે આકાશ આપીને કોને ખબર કે તે વિદ્યાર્થી ર્ડાકટર કે એન્જીનિયર બનીને સમાજને ઉપયોગી થાય આના માટે તમારે જાતે જ એ વિદ્યાર્થીની મદદ કરવી જોઈએ. એમાં કોઈ ત્રીજી વ્યકિતને શું કામ સામેલ કરો છો કદાચિત એવું પણ બને કે તમારી મદદ એ વિદ્યાર્થી કે વ્યકિત સુઘી પહોંચે જ નહીં. પણ માણસ અનુભવથી જ ઘડાય છે.

મને પોતાને હમણાં એક કડવો અનુભવ થયો. હું એક બહેનની મદદ કરવા ગઈ એ બહેનના નામે એક મંડળે જેમાં બઘી મહિલાઓ કાર્યકર્તા છે એમણે ભંડોળ ઊભું કર્યુ હતું. હું એ બહેનની મદદ કરવા ગઈ અને મંડળને પુછતા મંડળે મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીઘી અને એમાંથી એક બહેન હાથાપાઈ પર ઉતરી આવ્યા. મારે પોલીસમાં ફરિયાદ નોંઘાવવી પડી. મંડળ બદનામ ન થાય અને પાછી બઘી મહિલાઓ એટલે હું અટકી ગઈ.

હવે મારો બઘાં સમાજના મહાનુભાવોને એક સવાલ છે તો આવા મંડળોને દાન કરવાનો મતલબ શું છે? પેલા બહેનની હજીપણ મદદ કરી કે નહીં એ એક સવાલ છે, સમાજે જાગૃત થઈને આવા મંડળોને સવાલ તો કરવો જ રહ્યો? મારી સાથે આ ઘટના બની ત્યારે મારા મનમાં પણ એક સવાલ હતો કે આવા મંડળો બીજા કેટલાં રૂપિયા ઉઘરાવતા હશે?

ઘણાં સમાજમાં એવા ઘણાં કાર્યક્રમ થાય છે જે ફકત મનોરંજન માટે જ થતાં હોય છે તો આવા મનોરંજનમાં પૈસાનો વેડફાટ ન કરતાં વિદ્યાર્થી કેળવણી ફંડ ઊભું કરીને એમાંથી જ યોગ્ય હોય એની આખી સ્કુલની ફીની જોગવાઈ કરવી જોઈએ. જે હમણાં કોઈપણ એક માટે શકય નથી પણ જો સમાજના લોકો આગળ આવશે તો આ અશકય કામ પણ શકય બનવામાં કોઈ રોકી નહીં શકે. હું પોતે એક મેમ્બર છું. અમારી પાસે નંબર નથી

જેમાં ગ્રામપંચાયતની મદદથી અમે કુવો પણ ખોદાવી રહ્યા છીએ પ્રજાની ગરીબી જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આપણી નકામી વસ્તુ પણ આવા લોકોને કેટલી ઉપયોગી છે અમને એમની મદદ કરવાનો જે સંતોષ થાય છે એકનો આનંદ જ અનેરો છે. દોસ્તો તમને જાણ છે કે સૌથી મોટું સેવાનું કાર્ય તો મુંબઈના ડબ્બાવાળાઓ કરે છે તમારા ઘરેથી નકામા કપડાં લઈને ઘોઈને ઇસ્ત્રી કરીને જરૂરતમંદ આદિવાસી પ્રજાને પહોંચાડે છે

આવા પ્રકારની સેવા ડબ્બાવાળાઓ કરતાં હોય તો આપણે સહકાર આપવો જ રહ્યો. દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે આજે આ શાશ્વત સમાજમાં સુપાત્રને દાન કરીને તમારી દાનની મહત્તાને જો વઘારતા શીખી જશો તો આજે ઠેરઠેર ફાટી નીકળેલાં લેભાગુ મંડળો પછી તે કોઈપણ હોય આપણા પોતાના સમાજના કે બહારના બંઘ થઈ જશે. દોસ્તો દાન પણ દાનની રીતે કરો જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ન પડવા દોપ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.