દાનહના ડેઈલી વેજીસ- કોન્ટ્રાક્ટ બેઈઝ શિક્ષકોને રેગ્યુલર કરાવવા સાંસદ ડેલકરની ધારદાર રજૂઆત
(પ્રતિનિધિ) વલસાડ 05062019: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નવનિયુક્ત સાંસદ મોહન ડેલકરે આજે કેન્દ્રના ગૃહસચિવ શ્રી રાજીવ ગૌબા સાથે મુલાકાત કરી પ્રદેશની કેટલીક પડતર સમસ્યાઓની ધારદાર રજુઆત કરી તેના નિરાકરણ માટે માંગ કરી હતી. સાંસદ મોહન ડેલકરે દાદરાનગર હવેલી પ્રશાસનમાં ઘણાં વર્ષોથી ડેઈલી વેજીસ અને કોન્ટ્રાકટ બેઈઝ ઉપર કામ કરી રહેલા હાયર સેકન્ડરી (પીજીટી), હાઈસ્કૂલ (ટીજીટી) અને પ્રાથમિક શાળાઓના શિક્ષકોને રેગ્યુલર કરવા માટે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
મોહન ડેલકરે પ્રદેશમાં ડેઈલી વેજીસઅને કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરી પોતાની જીંદગીના ઉત્તમ વર્ષો વિતાવી ચુકેલા શિક્ષકો પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ અપનાવી તેમની તરફેણમાં યોગ્ય રસ્તો કાઢવા ગૃહમંત્રાલયને દરમિયાનગીરી માટે અરજ કરી હતી.
અત્રે યાદ રહે કે, ૧૯૮૯માં લોકસભાની દાદરાનગર હવેલી બેઠક ઉપરથી અપક્ષ તરીકે સંસદની સીડી ચડનાર મોહન ડેલકરે ૧૯૯૦માં તત્કાલિન પ્રશાસને દમણથી દીવ અને દીવથી દમણ વચ્ચે કેટલાક લોઅર ડીવીઝન કલાર્ક (એલડીસી)ની બદલી કિન્નાખોરીથી કરી હતી તેની સામે શ્રી મોહન ડેલકરે સંસદમાં આ મુદ્દાને ખુબ જ આક્રમકતાથી ઉઠાવતાં તત્કાલિન કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી શ્રી સુબોધ કાન્ત સહાયને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી અને વિવાદાસ્પદ બદલીનો આદેશ રદ્ કરાવવા સફળ રહ્યા હતા અને તે સમયે દમણ અને દીવ વચ્ચે ગૃપ-સી અને ગૃપ-ડીના કર્મચારીઓની બદલી ઉપર કાયમી રોક લગાવવાનો નીતિગત ફેંસલો લેવાની ફરજ પણ તત્કાલિન પ્રશાસનને પડી હતી.
સાંસદ મોહન ડેલકરે શપથવિધિ પહેલાં જ પ્રદેશના પ્રશ્રોના ઉકેલ માટે શરૂ કરેલા પ્રયાસથી ગૃહ સચિવ રાજીવ ગૌબા પણ ખુબ જ પ્રભાવિત થયા હતા અને મળતી માહિતી પ્રમાણે ગૃહ સચિવે આ મુદ્દા ઉપર સંવેદનશીલ અભિગમ અપનાવી હકારાત્મક પરિણામનું પણ આશ્વાસન આપ્યું હતું.*