દાનહ સાંસદે પંચાયત અને નગર પાલિકાની સમસ્યાઓને લઈ કલેકટરને કરી રજૂઆત
(પ્રતિનિધિ)સેલવાસ, દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની હાલમાં ઉદ્દભવેલી કેટલીક ગંભીર સમસ્યાઓને લઈ કલેક્ટર રાકેશ મિન્હાસ સાથે મુલાકાત કરી હતી. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે ત્યારે જિલ્લા પંચાયત વિસ્તારની દરેક પંચાયતો તેમજ નગર પાલિકાની કેટલીક જગ્યાએ સડકોનું કામ બાકી છે.
કેટલાક સ્થળોએ તો રસ્તાઓ ખૂબજ બિસમાર બન્યાં છે. જેના કારણે વાહન ચાલકો અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા અગાઉ શહેરના મુખ્ય રસ્તાઓની વચ્ચેથી ડિવાઈડર કાઢી નાખવામાં આવ્યા હતાં
જેના કારણે લોખંડના સળિયાઓ બહાર નીકળી ગયા છે જે ખૂબજ ભયાનક લાગી રહેલ છે.આવી જગ્યાએ અકસ્માત સર્જાઇ શકે તેમ છે. હાલમાં શરૂ કરવામાં આવેલ ડિવાઈડર તોડવાનું કામ ચોમાસા પછી પણ થઈ શકે તેમ છે. જિલ્લા પંચાયત અને નગર પાલિકા વિસ્તારના ઘણાં ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું નથી.
નગર પાલિકા વિસ્તારમાં દુકાનોની આગળ ૫ ફૂટના શેડ લગાવવાના પરમિશન માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવે જેથી દુકાનદારો/વેપારીઓને વારસાદના કારણે નુકશાન ન થઇ શકે.
શાકભાજી માર્કેટ,ફ્રુટ અને મચ્છી માર્કેટના વેપારીઓને સ્થળાંતરને કારણે જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનું સમાધાન જલ્દીથી થવું જાેઈએ. ખેડૂતોને ખાતર અને બીજનું વિતરણ કરવામાં આવ્યું નથી તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
સરકારી શાળાઓમાં બાળકોને સ્કૂલ બેગ,યુનિફોર્મ, રેઇનકોટ પુસ્તકોની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે શાળા શરૂ થાય ત્યારેજ મળી જવી જાેઈએ.
સુરંગી ગામમાંથી જે નેશનલ હાઇવે પાસ થનાર છે તેનું ફરીથી સર્વે, મેપિંગ/એલાઈમેન્ટ પર વિચાર કરવામાં આવે તો લોકોનું વધારે નુકસાન થતું બચાવી શકાય તેમ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલાક લાભાર્થીઓના પાસ થયેલા ઘર હજુ સુધી બન્યા નથી.
કેટલાક કિસ્સાઓમાં ઇન્સ્ટોલમેન્ટ ન મળવાને કારણે અધૂરાં છે.જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારના તમામ મુદ્દાઓની ગંભીર રજૂઆત બાદ સાંસદ કલાબેન ડેલકરને કલેકટરે જરૂરી સમાધાન માટે ખાતરી આપી છે.
સાંસદ કલાબેન ડેલકર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવર સહિત જિલ્લા પંચાયત અને નગર પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.