‘દારાસિંહ’ની બાયોપિક ફિલ્મ સાથે દારાસિંહનો પૌત્ર ફતેહ બોલિવૂડમાં ડેબ્યુ કરશે
દારાસિંહ પોતાના જીવનમાં ૫૦૦થી વધુ કુસ્તી લડી હોવાનું કહેવાય છે અને આ તમામ કુસ્તીમાં તેઓ જીત્યા હતા
રામાયણના હનુમાન ‘દારાસિંહ’ની બાયોપિક બનાવશે તેમનો દીકરો
મુંબઈ,ભારતના લોકપ્રિય પહેલવાન અને દરેક ઘરમાં જાણીતા દારાસિંહના જીવન આધારિત બાયોપિક બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. દારાસિંહના દીકરા વિંદુ દારાસિંહે ફાધર્સ ડે નિમિત્તે આ અંગે જાણકારી આપી હતી. દારાસિંહની બાયોપિક તેમના દીકરા વિંદુ બનાવવાના છે અને તેમાં લીડ રોલ માટે વિંદુએ પોતાના દીકરા ફતેહની પસંદગી કરી છે. દારાસિંહનો પૌત્ર ફતેહ આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરશે. દેશના સફળ કુસ્તીબાજોમાં દારાસિંહનું નામ મોખરે છે. તેમણે પોતાના જીવનમાં ૫૦૦થી વધુ કુસ્તી લડી હોવાનું કહેવાય છે અને આ તમામ કુસ્તીમાં તેઓ જીત્યા હતા.
પોતાના સમયનાં ઘણાં પહેલવાનોને પછડાટ આપવામાં દારાસિંહ સફળ રહ્યા હતા. તેમણે બોલિવૂડમાં પણ કેટલીક ફિલ્મો કરી હતી. જો કે દેશભરમાં લોકપ્રિય બનાવવાનું શ્રેય રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ને જાય છે. આ સિરિયલમાં દારાસિંહે ભગવાન હનુમાનનો રોલ કર્યાે હતો. દાયકાઓ બાદ પણ હનુમાનજીના રોલમાં દારાસિંહને જ આદર્શ માનવામાં આવે છે.
વિંદુ દારાસિંહે જણાવ્યું હતું કે, હું મારા પિતા પર ફિલ્મ પ્લાન કરી રહ્યો છું અને તેમાં દીકરા ફતેહને કાસ્ટ કરવા માગુ છું. તે મને આ ફિલ્મ માટે ફિટ લાગે છે અને તે તૈયારી પણ કરી રહ્યો છે. ફતેહ હાલમાં ફાઈટર જેકી ચેન પાસે ટ્રેનિંગ લઈ રહ્યો છે. અમારા પરિવારમાં મારા પિતાની પર્સનાલિટીને મેચ કરી શકે તેવો ફતેહ જ છે. વિંદુએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને ફતેહને તે ખૂબ ગમી છે. બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે દાદાની બાયોપિકથી વધારે સારો વિકલ્પ હોઈ શકે નહીં. એક્ટિંગમાં વિંદુ દારાસિંહનું નસીબ ખાસ ચાલ્યુ ન હતું. ss1