Western Times News

Gujarati News

દારૂબંધી પર સરકારના વાંધાને ફગાવતી હાઈકોર્ટ

અમદાવાદ, ઘરની ચાર દીવાલો વચ્ચે કોઈ વ્યક્તિને દારુ પીતા સરકાર અટકાવી ના શકે તેવી માગણી સાથે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પિટિશન્સ પર કોર્ટે મહત્વનો ર્નિણય કર્યો છે. અગાઉ આ મામલે સરકારી વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જે મુદ્દા આ પિટિશનમાં ઉઠાવાયા છે તેના પર ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ ચુકાદા આપી ચૂકી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સુપ્રીમે એકવાર જે મામલા પર ચુકાદો આપી દીધો હોય તો પછી ગુજરાત હાઈકોર્ટે તેમાં કંઈ કરવાનું રહેતું નથી. જાેકે, આજે થયેલી સુનાવણીમાં સરકારની આ દલીલને ગુજરાત હાઈકોર્ટે રદ કરતા જણાવ્યું હતું કે કોર્ટને આ મામલે સુનાવણી કરવાનો હક્ક છે, અને આ કાયદો પ્રોહિબિશનનો કાયદો બંધારણને અનુરુપ છે કે નહીં, ને તેનાથી પ્રાઈવસીના અધિકારનો ભંગ થાય છે કે કેમ તે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે, અને સુપ્રીમ કોર્ટમાં તેના માટે જવાની જરુર નથી.

અરજદારના વકીલ દેવેન પરીખે આ મામલે જણાવ્યું હતું કે, સુપ્રીમે જે ચુકાદા આપ્યા તેમાં પ્રોહિબિશનના કાયદાના જુદી-જુદી જાતના ગુણોને બંધારણીય રીતે તપાસાયા છે તેવું કહી ના શકાય. માટે, બંધારણીય રીતે પ્રોહિબિશનનો કાયદો બીજા ગ્રાઉન્ડ પર ચેલેન્જ કરવાનું હજુ બાકી છે. સુપ્રીમ કોર્ટે ૧૯૫૧માં આપેલા હુકમમાં જે નિયમો સુપ્રીમ કોર્ટે ઠરાવ્યા છે, તે આજની સ્થિતિમાં બંધનકર્તા નથી તેવું કહી શકાય. એડવોકેટ પરીખે જણાવ્યું હતું કે, પિટિશનરનો મુદ્દો એ છે કે, છેલ્લા પાંચ-સાત વર્ષમાં સુપ્રીમ કોર્ટે બંધારણના અલગ પ્રકારે અર્થઘટન કરીને માનવીય સ્વમાનના ઘણા બધા પાસા ઉજાગર કર્યા છે.

વ્યક્તિએ શું ખાવું, શું પીવું, પોતે પી શકે કે કેમ, તેનાથી આમ જનતાને અડચણ ના થાય તેવો હક્ક સુપ્રીમ કોર્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અપાયેલા અલગ-અલગ ચુકાદાથી ફલિત થાય છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમય પહેલા ગુજરાત સરકારનો દારુબંધીનો કાયદો બંધારણે આપેલા રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ કરે છે તેવી દલીલ સાથે હાઈકોર્ટમાં અલગ-અલગ અરજી કરવામાં આવી હતી.

જેમાં એવા દાવા પણ કરાયા હતા કે ગુજરાત સરકાર રાજ્ય બહારથી આવતા લોકોને દારુ પીવાની પરમિટ આપે છે, પરંતુ રાજ્યના લોકોને તેનાથી વંચિત રાખીને ભેદભાવ પણ કરી રહી છે. આ મામલે સરકારના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, રાઈટ ટૂ પ્રાઈવસીના નામે કોઈને દારુ પીવાની મંજૂરી ના આપી શકાય. સરકારે તો કોર્ટમાં ત્યાં સુધી કહ્યું હતું કે રાઈટ ટૂ પ્રાઈવસી મામલે સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં ચુકાદા આપેલા હોવાથી ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દા પર સુનાવણી જ ના કરી શકે. જાેકે, કોર્ટે આજે સ્પષ્ટ કરી દીધું છે કે આ પિટિશન પર ગુજરાત હાઈકોર્ટમાં જ સુનાવણી થશે.

આ મામલે હવે કોર્ટ ઓક્ટોબર મહિનામાં વધુ સુનાવણી હાથ ધરશે. બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી શકે કે કેમ તે અંગે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય તેવી પણ શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.