Western Times News

Gujarati News

દારૂ પીવાના પૈસા નહીં આપતા પૌત્રએ દાદીને લટકાવી દીધી

બાપુનગરમાં બનેલો ચોંકાવનારો બનાવઃ હત્યાના બે-બે
પ્રયાસો છતાં દાદીનો હેમખેમ બચાવ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓની હારમાળા સર્જાઈ છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં દારૂ પીવાની ટેવ ધરાવતા પૌત્રએ દારૂ પીવા માટે રૂપિયા નહી આપનાર વૃધ્ધ દાદીને મારમારી તેની બે વખત હત્યા કરવાની કોશિષ કરતા સનસનાટી મચી ગઈ છે.

ગંભીર એવી આ ઘટનામાં પૌત્રએ દાદી અને પરિવારજનોને ધમકી પણ આપી છે કે આ ઘટના અંગે જા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તે પોતે પણ આપઘાત કરી લેશે. પૌત્રની આ હરકતોથી સમગ્ર પરિવારજનો ચિંતાતુર બન્યા છે એટલું જ નહી પરંતુ વૃધ્ધ દાદી ખૂબ જ ગભરાઈ ગયા છે. બાપુનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર એલર્ટ પર છે અને અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહયા છે તેમ છતાં અમદાવાદ શહેરમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહયા છે જેના પરિણામે શ્રમિક પરિવારના યુવકો દારૂની લતે ચડી ગયા છે અને તેમાં સમગ્ર પરિવાર બરબાદ થઈ રહયો છે.

દારૂની ટેવ ધરાવતા યુવકો કોઈપણ પગલુ ભરતા અચકાતા નથી. આવી જ એક ઘટના બાપુનગર વિસ્તારમાં બની છે. બાપુનગર ગાયત્રી મંદિર પાછળ આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કમલાબેન શર્મા નામની વૃધ્ધ મહિલા રહે છે તેમના પતિ પણ તેમની સાથે જ રહે છે. ૮૭ વર્ષના કમલાબેન શર્મા દિવાળીના તહેવારોમાં ઘરે એકલા જ હતા જયારે તેમના પતિ બહાર ગયા હતાં.

કમળાબેનને ૪ પુત્રો અને ૪ પુત્રીઓ છે. દિવાળી દરમિયાન કમળાબેનના પતિ સુરતમાં રહેતા તેમના પુત્ર જયેશના ઘરે ગયા હતા આ દરમિયાનમાં ૮૭ વર્ષના વૃધ્ધ કમળાબેન ઘરે એકલા હતા ત્યારે તેમના પુત્ર અશોક શર્માનો પુત્ર દિનેશ ઉર્ફે સોનુ શર્મા ઘરે આવ્યો હતો. દિનેશ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને તે દારૂ પીને અવારનવાર તોફાન કરતો હોય છે.

દિનેશ વારંવાર તેની દાદી પાસે આવી દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરતો હતો અને દાદી પાસેથી રૂપિયા પણ લઈ જતો હતો. તા.ર૮મીએ કમળાબેન ઘરે એકલા હતા ત્યારે દિનેશ તેમની પાસે આવ્યો હતો અને દાદી પાસેથી રૂ.ર૦૦ની માંગણી કરી હતી પરંતુ કમળાબેને પોતાની પાસે રૂપિયા નહી હોવાનું જણાવ્યું હતું તેમણે કહયું હતું કે તારા દાદા આવે પછી તને રૂપિયા આપીશ.

દાદીએ પૈસા નહી આપતા પૌત્ર દિનેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની વૃધ્ધ દાદીને માર માર્યો હતો પરંતુ ગળુ દબાવી દેતા વૃધ્ધાએ બુમાબુમ કરી મુકી હતી જેના પરિણામે આસપાસના લોકો એકત્ર થઈ જતા આરોપી દિનેશ દાદીને છોડી ભાગી છુટયો હતો. બીજીબાજુ દાદીનો શ્વાસ રૂંધાતા આસપાસના લોકોએ તાત્કાલિક ડોકટરને બોલાવ્યા હતા અને સુરત ગયેલા તેમના પતિ તથા પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેના પગલે સુરતથી કમળાબેનના પતિ તથા તેમનો પુત્ર અને પરિવાર દોડી આવ્યા હતાં તેઓને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતાં.

સમગ્ર પરિવાર એકત્ર થયો હતો ત્યારે ફરી એક વખત દિનેશ શર્મા આવી પહોંચ્યો હતો અને તેણે ફરી વખત દાદી સાથે ઝઘડો કરવાનો શરૂ કર્યો હતો. પરિવારજનો વચ્ચે પડયા હતા પરંતુ આરોપીએ બુમાબુમ કરી મુકી હતી જેના પરિણામે ઘરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આ દરમિયાનમાં આરોપી દિનેશ તેની દાદીની પાછળ પાછળ ઉપરના માળે દોડી ગયો હતો.

પરિવારજનો કશું સમજે તે પહેલા દિનેશે પોતાની વૃધ્ધ દાદીને લોબીમાંથી નીચે લટકાવી દીધી હતી અને તેને ફેંકી દેવાની ધમકી આપવા લાગ્યો હતો આ દરમિયાનમાં પરિવારજનોએ મહામહેનતે દિનેશ શર્માના હાથમાંથી દાદીને પકડી લઈ છોડાવ્યા હતા.


આ ઘટનાથી પરિવારજનો વધુ ચિંતીત બન્યા હતા. પૌત્રએ જ બબ્બે વખત વૃધ્ધ દાદીની હત્યાનો પ્રયાસ કરતા આસપાસના નાગરિકો પણ ચોંકી ઉઠયા હતા આરોપીની ગુનાહિત માનસિકતાને જાતા તાત્કાલિક બાપુનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાથી ચોંકી ઉઠયા હતાં

બીજીબાજુ પૌત્ર દિનેશે જતા જતા ધમકી આપી હતી કે જા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તે પોતે પણ આપઘાત કરી લેશે પરંતુ પરિવારજનોએ તેની આ ધમકીની પરવા કર્યા વગર  પોલીસને ઘટનાની જાણ કરતા જ તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.