દારૂ પીવા લક્ઝરી બસ ભાડે કરીને 43 લોકો દમણ ફરવા ગયા, પોલિસે ધરપકડ કરી
૩૬૩ જેટલી દારુની બોટલો સાથે 43 લોકોની ધરપકડ, આખી લક્ઝરી બસને પારડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. દમણમાં કરેલી મજાનો બધો નશો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં જ ઉતરી ગયો હતો.
સુરત: અમદાવાદ રાજ્યમાં દારૂની હેરાફેરી રૂટિન વાત થઈ ગઈ છે. છૂટક-છૂટક તો રોજે-રોજ દારૂ પકડાતો રહે છે. વળી, રાજ્યમાંથી ખાસ દારૂ પીવા માટે દીવ, દમણ અને આબુ જનારાઓની સંખ્યા પણ ઘણી છે. પણ, સુરત જિલ્લાના યુવકોએ તો બધાને પાછળ છોડી દીધા છે. મોજ-મસ્તી કરવા દમણ ગયા અને ત્યાંથી પોતાની સાથે દારૂ પણ લેતા આવ્યા અને તે પણ એટલી બધી બોટલો કે પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.
લક્ઝરી બસ ભાડે કરીને દમણ ફરવા ગયેલા આ સુરતીઓને પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારુ સાથે ઝડપી લીધા. લક્ઝરી બસમાંથી ૩૬૩ જેટલી દારુની બોટલો પોલીસે જપ્ત કરી છે અને લક્ઝરી બસના ડ્રાઈવર-ક્લીનર સહિત ૪૩ લોકોની ધરપકડ કરી છે. આ તમામ સુરત જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના બારડોલી અને ઓલપાડ આસપાસના વિસ્તારના દારૂ પીવાના શોખીન યુવકો લક્ઝરી બસ ભાડે કરીને દમણ ફરવા ગયા હતા. દમણમાં આ લોકોએ મનભરીને મોજ-મસ્તી કરી અને દારૂ પણ ખૂબ પીધો.
પણ આટલેથી તેમનું મન ભરાયું ન હોય તેમ આ લોકો ત્યાંથી પાછા આવતી વખતે પોતાની સાથે દારૂની બોટલો પણ લઈને આવ્યા હતા અને તે પણ એક-બે નહીં, ૩૬૩થી વધુ દારૂની બોટલો લઈને આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત અને દમણની હદ પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પાસે વલસાડ જિલ્લાની પારડી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી.
તે સમયે દમણમાંથી ગુજરાતમાં પ્રવેશી આ લક્ઝરી બસને પણ પોલીસે રોકી હતી. લક્ઝરીના ડ્રાઈવર અને ક્લીનરની તપાસ કરતા તેમની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
બાદમાં પોલીસે બસમાં બેઠેલા લોકોની તપાસ કરતા તે બધાની પાસેના થેલામાંથી પણ દારૂની બોટલો મળી હતી. જેથી આખી લક્ઝરી બસને પારડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. આ લોકોનો દમણમાં કરેલી મજાનો બધો નશો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં જ ઉતરી ગયો હતો.
પોલીસે આ લક્ઝરી બસના ડ્રાઈવર સૌરભ ભાવસાર અને ક્લીનર સહિત બસમાં બેઠેલા ૪૩ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ લોકો પાસેથી અંદાજે ૯૧ હજાર રૂપિયાથી વધુ કિંમતની દારૂની ૩૬૩ જેટલી બોટલો અને લક્ઝરી બસને જપ્ત કરી છે. ૩૧મી ડિસેમ્બરની આસપાસ તો રાજ્યમાં અવાર-નવાર દારૂનો આટલો જથ્થો ઝડપાતો હોય છે. પણ, તેમાં એકાદ-બે જણ પકડાતાં હોય છે.