Western Times News

Gujarati News

દાવાનળથી સમગ્ર USમાં હાહાકારઃ $57 અબજનું નુકસાન

લોસ એન્જેલસની આગ વધુ વિકરાળ થઇ રહી છે

નેશનલ હોકી લીગની મેચો, ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ, ઓસ્કાર નોમિશન સહિત અનેક કાર્યક્રમો ખોરવાયા

લોસ એન્જેલસ,
અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જેલસના જંગલોમાં મંગળવારની રાત્રે લાગેલી ભીષણ આગ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વિનાશક કુદરતી આફતો બની છે. ભારે પવનને કારણે બેકાબુ બનેલા દાવાનળથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને એક હજારથી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. દાવાનળને કારણે આશરે ૫૭ અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો પ્રારંભિક અંદાજ છે અને આશરે એક લાખથી વધુ લોકોએ ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. આગ હોલિવૂડ હિલ્સ સુધી ફેલાઈ હોવાથી ઘણા હોલિવૂડ સેલિબ્રિટીના બંગલાઓ પણ રાખ બન્યાં હતાં. ભયાનક આગને કારણે સાન્ટા મોનિકા અને માલિબુની પ્રીમિયમ પ્રોપર્ટીઝને નુકસાન થયું છે.

આ વિસ્તારોમાં ઘરની સરેરાશ કિંમતો આશરે ૨૦ લાખ ડોલરથી વધુ છે. એક્યુવેધરના જણાવ્યા અનુસાર ૫૨થી ૫૭ અબજ ડોલરના નુકસાનનો પ્રારંભિક અંદાજ છે. ભારે પવન કારણે વધુ રહેણાંક વિસ્તારોમાં આગ ફેલાવાની ધારણા છે અને તેનાથી વધુ ઘરોનો નાશ થઈ શકે છે. ૧૯૮૦થી નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ઐતિહાસિક ડેટા મુજબ ૨૦૦૫માં કેટરીના વાવાઝોડાને કારણે સૌથી વધુ ૨૦૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ૨૦૧૮ કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે અંદાજે ૩૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું.આગને કારણે સધર્ન કેલિફોર્નિયાના આશરે ૧.૭ કરોડની વસ્તી માટે હવાની જોખમી બની છે. પૂર્વ લોસ એન્જલસમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૭૩ રહ્યો હતો. દાવાનળને કારણે નેશનલ હોકી લીગ ની મેચો અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ સહિત અસંખ્ય કાર્યક્રમો ખોરવાઈ ગયા છે.

ઓસ્કાર એકેડેમી એવોર્ડના વોટિંગની સમયગાળામાં વધારો કરાયો હતો. યુનિવર્સલ સ્ટુડિયોએ થીમ પાર્કની કામગીરી અને ફિલ્મ નિર્માણ બંને સ્થગિત થઈ ગયા હતા. ઉત્તર કેલિફોર્નિયામાં આશરે ૩.૧૦ લાખ ગ્રાહકો વીજળી સપ્લાય વિહોણા બન્યા હતા. લોસ એન્જલસ કાઉન્ટી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું હતું. તમામ લોસ એન્જલસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સંસ્થાઓ ગુરુવાર સુધી બંધ રહેશે.લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બીજા છ રાજ્યોના અગ્નિશામકોને કેલિફોર્નિયામાં મોકલવામાં આવી રહ્યા છે. ૧,૦૦૦ કર્મચારીઓ સાથેની વધારાની ૨૫૦ એન્જિન કંપનીઓને ખસેડવામાં આવી રહી છે.

કેલિફોર્નિયામાં ભયાનક દાવાનળને કારણે પ્રેસિડન્ટ જો બાઇડેને તેમની ૩ દિવસની ઇટાલી મુલાકાત રદ કરી હતી અને વોશિંગ્ટનમાં રહેવાનું પસંદ કર્યું હતું. પ્રેસિડન્ટ તરીકે રોમ અને વેટિકનની આ તેમની છેલ્લી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન તેઓ પોપ ળાન્સિસ, ઇટાલીને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીને મળવાના હતાં. ભીષણ આગ હોલિવૂડ હિલ્સ સુધી ફેલાઈ હતી. ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હોલીવુડ હિલ્સમાં નવી આગ ફાટી નીકળી હતી અને તેનાથી વધુ લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી છે. લોસ એન્જેલસ કાઉન્ટીમાં જંગલમા આગની સંખ્યા વધીને છ થઈ હતી. હેલિકોપ્ટરથી પાણીનો મારો ચલાવવામાં આવતા જ્વાળાઓ થોડી કાબુમાં આવી હતી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.