દાહોદના ચાર હજાર આરોગ્યસેનાનીઓને કોરોનાલક્ષી તાલીમ આપવામાં આવશે
જિલ્લાના તબીબી અધિકારીઓને કોવિડ પેશન્ટ ટ્રીટમેન્ટના ટેકનિકલ પ્રોટોકોલની સમજ અપાશે
દાહોદમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય તંત્ર સજ્જ થઇ રહ્યું છે. આ સજ્જતાના ભાગરૂપે જિલ્લાના ચાર હજારથી પણ વધુ આરોગ્યસેનાનીઓને બાળકોની માઇનોર સારવાર અંગે તાલીમ આપવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થવાની શક્યતાને ધ્યારે રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓને આ તાલીમ આપી પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે.
દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓને માઇનોર પીડિયાટ્રિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી રહી છે. આવા ૧૬૦ જેટલા મેડિકલ ઓફિસર છે. બાળકોને કોરોના થવાના સંજોગોમાં તેમાં રેસીપોરેટ્રી ઇન્ડીકેટર સામાન્ય કરતા હોય છે. તેની સમજ તબીબી અધિકારીઓને આપવામાં આવે છે. માઇલ્ડ અને મોડેરેટ પ્રકારમાં કેવી સારવાર કરવી ? કેવા સંજોગોમાં બાળદર્દીઓને રિફર કરવા સહિતની સમજ આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આષ્યુમાન ભારત યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં ખોલવામાં આવેલા હેલ્થ વેલનેસ સેન્ટરમાં કાર્યરત સામુદાયિક આરોગ્ય અધિકારીઓ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબી અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ ડો. મોહિત દેસાઇ આપી રહ્યા છે.
જેમાં આરોગ્યકર્મીઓને હાઇફ્લો નસલ કેન્યુલા, કન્ટીન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર, બાઇપેપ, ઓક્સીઝન લાઇન, ઓક્સીજન સિલિન્ડરનો કેવી રીતે ઉપયોગ કરવા તેની સાદી સમજ આપવામાં આવી રહી છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા હવે સીએચસી કક્ષાએ પણ ઓક્સીજન બેડની સુવિધા આપવા જઇ રહી છે. ત્યારે આરોગ્યકર્મીઓને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડતું હોવું જોઇએ.
કોરોના વાયરસની ત્રીજી લહેરમાં આશા વર્કર્સની ભૂમિકા મહત્વની રહેવાની છે. કારણ કે, ગ્રામજનો સાથે સીધો સંપર્ક આશા વર્કર્સ ધરાવે છે. તેની દાહોદની તમામ આશા વર્કર્સને તાલીમમાં સાંકળી લેવામાં આવશે.