દાહોદના જંગલમાં કિશોરીને દિપડાએ ફાડી ખાતા ચકચાર

Files Photo
અમદાવાદ: દાહોદના જંગલોમાં લાકડા કાપવા ગયેલી ૧૨ વર્ષની માસૂમ કિશોરીને દિપડાએ ફાડી ખાતાં સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં દિપડાની દહેશતને લઇ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, બીજીબાજુ, ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં દીપડાએ ઘરમાં ઘૂસીને ફુલીબેન ઊમાદભાઇ વસાવા(ઉ.વ.૭૦) નામની વૃધ્ધા ઉપર હુમલો કર્યો હતો.
જેમાં ઘવાયેલી વૃધ્ધાને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જા કે, દિપડાની દહેશતને લઇ પંથકમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન ગાંધીનગરમાં વીઆઇપી રોડ પર પણ દિપડાના આંટાફેરા થતા હોવાની વાત સામે આવતાં સ્થાનિક વનવિભાગ અને તંત્રના અધિકારીઓએ દિપડાને પકડવા માટે સંભવિત સ્થાનો પર પાંજરા ગોઠવી દીધા છે. દાહોદના જંગલોમાં લાકડા કાપવા ગયેલી ૧૨ વર્ષની માસૂમ કિશોરીને દિપડાએ શિકાર બનાવી હતી.
દિપડાએ ૧૨ વર્ષની આ માસૂમ કિશોરીને ફાડી ખાતાં તેનું કરૂણ મોત નીપજયુ હતું, જેને લઇ સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો હતો. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. દિપડાના આંતકના અન્ય એક બનાવમાં, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં ગત મોડી રાત્રે વૃધ્ધા ઘરમાં એકલી હતી,
ત્યારે અચાનક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ફુલીબેન ઊમાદભાઇ વસાવા પર હુમલો કરી દીધો હતો. જેમાં વૃધ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેથી તુરંત જ સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
પરંતુ ત્યાંથી પણ વધુ સારવાર માટે વૃધ્ધાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. ભરણ ગામ પાસેથી દીપડાના બચ્ચાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. વન વિભાગે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. તો, સાબરકાંઠા જિલ્લામાં ઇડર ગઢ પરથી દિપડાએ દેખા દેતાં સ્થાનિક લોકો આનંદનગર સોસાયટીના એક મકાનમાં દિપડો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.