દાહોદના ડૉક્ટરે સર્જરી કરી મહિલાને દોડતી કરી-કેન્યામાં ડૉક્ટરે પગ કાપવાનું કહ્યું હતું

દાહોદ, કેન્યાના મોમ્બાસાની યુસરા ફહિમ નામની મહિલાને જુલાઇ ૨૦૧૯માં પ્રસૂતિ માટે જતી વેળાએ અકસ્માત થયો હતો. જેમાં મહિલાના બંને પગમાં ફ્રેકચર થયું હતું. ડાબા પગે જટિલ ફ્રેકચર હતું જેના પગલે તાત્કાલિક ઓપરેશન દ્રારા મહિલાને પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાના પગમાં સળિયા નાખવામાં આવ્યા હતા.
પરંતુ ઘા ના કારણે વારંવાર ડ્રેસિંગ કરવા છતા પણ સુધારો થતો ન હતો. ચેપથી મહિલાના અન્ય અંગો કે મહિલાને નુકસાન ના પહોંચે તે માટે કેન્યાના તબીબ દ્રારા પગ કાપવાની સલાહ આપતા જ મહિલા સહિત પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
જાેકે ત્યાની હોસ્પિટલનું કનેક્શન ગુજરાતના નવસારીમાં આવેલ યશફિન હોસ્પિટલ સાથે હોવાથી ગુજરાતમાં સારવાર માટે સલાહ મળતા યુવતી પોતાના એક માસના બાળકને મૂકીને નવસારી પહોંચી હતી. ત્યાંના ડૉ. નરેન્દ્ર પરમારે દાહોદના તબીબ ડૉ અમર સોની કે જેઓ રશિયન પદ્ધતિની ઇલિઝારોવ ટેકનિક નામની સારવારના નિષ્ણાત ગણાય છે.
તેમને બોલાવી ઓગસ્ટ ૨૦૧૯માં મહિલાની પ્રથમ સર્જરી ડૉ. અમર સોનીએ કરી હતી. મહિલાના ડાબા પગમાં બે હાડકાં વચ્ચે ૧૫ સે.મી. જેટલી જગ્યા પડી ગઈ હતી. તેની સારવાર માટે એક મહિના બાદ મહિલાને દાહોદની હોસ્પિટલમાં હાડકાંનો ગેપ ભરવા માટે કોર્ટીકોટોમી નામની બીજી સર્જરી કરવામાં આવી હતા.
ત્યારબાદ મહિલા વોકર અને ત્યાર પછી લાકડીથી ચાલવા લાગી અને કેટલીક કસરત શીખવાડવામાં આવી હતી. આ પછી મહિલા કેન્યા પહોંચી હતી અને ડો સોની સાથે વીડિયો કોલથી સંપર્કમાં રહી કસરત અને સાર સંભાળથી મહિલા પોતાનું કામકાજ કરતી થઈ ગઈ હતી.
પગમાં નાખેલ સ્ટીલ રીંગની ફ્રેમ કઢાવવા માટે ભારત આવવાનું હતું. આ દરમિયાન કોરોનાના કારણે મુસાફરી શકય નહોતી બની પીડામુક્ત ચાલતી થયેલી મહિલા ૧ માર્ચના રોજ ફરી ભારત આવી અને દાહોદ ખાતે તેના પગમાં રહેલ સ્ટીલ રીંગની ફ્રેમ કાઢી નાખવામાં આવી હતી. હવે મહિલા કોઈપણ સાધન વગર ચાલવામાં સક્ષમ બની ગઈ છે અને સરળતાથી ચાલી કે દોડી શકે છે રિંગ કઢાવી મહિલા પરત કેન્યા પહોચી પરત ફરી ગઈ છે.