દાહોદના નાગરિકોને હવે રેપ સોંગ થકી કોરોના સામે જાગૃત કરાશે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે મિનિટની ‘દાહોદ કોરોના એન્થમ’ લોંચ કરાઇ
દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે એક નવતર પ્રયાસ હાથ કરવામાં આવ્યો છે.
દાહોદના નાગરિકોને માસ્ક પહેરવાની અને સામાજિક અંતરના પાલનની સતત શીખ મળતી રહે એ માટે ‘દાહોદ કોરોના એન્થમ’ બનાવવામાં આવી છે. જેમાં રેપ સોંગ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.
આ એન્થમની શરૂઆત એક નાની નાટિકાથી થાય છે. જેમાં એક યુવાન ઘરની બહાર જતી વેળાએ પોતાની માતાની સૂચનાને અવગણીને માસ્ક પહેરતો નથી. તુરંત, બીજા દ્રષ્ટમાં એક યુવાનને કોરોના થયો હોવાનું દેખાડવામાં આવે છે. બાદમાં રેપ સોંગની શરૂઆત થાય છે. જેના શબ્દો દાહોદ માસ્ક પહેરો, દાહોદ માસ્ક પહેરો, એવા છે.
રેપ સોંગમાં દાહોદના રેડિયો જોકી હર્ષ ભટારિયાએ પોતાનો કંઠ આપ્યો છે. જ્યારે, સંગીત રિધમ એન્ડ વોક્સ રેકોર્ડિંગ સ્ટુડિઓ દ્વારા આપવામાં આવ્યું છે.
રેપ સોંગમાં વિશાલ પાંડે ઉપરાંત કલાકારો સુશ્રી નિરાલી ડાંગી તથા શ્રી યુગ દ્વારા પણ જોડાયેલા છે. બે મિનિટના આ સોંગને ત્રણ દિવસમાં બનાવવામાં આવ્યું છે. શૂટિંગની કામગીરી પ્રમુખ સ્ટુડિઓ દ્વારા કરાઇ છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બાબતે જણાવ્યું કે, દાહોદ કોરોના એન્થમથી નાગરિકો અને ખાસ કરીને યુવાનોને કોરોના સામે વધુ સાવચેતી રાખવાની પ્રેરણા મળશે. આ ઉપરાંત સરકાર દ્વારા કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેની પણ આ એન્થમ દ્વારા લોકો સમક્ષ ઉજાગર થશે.
તેમણે ઉમેર્યું કે, યુવાનો અને નાગરિકો આ એન્થમ જોઇને કોરોના વાયરસ સામે પોતાના પરિવાર-પાડોશીઓને માસ્ક પહેરવાની, સામાજિક અંતર રાખવાની અને સેનિટાઇઝેશનના નિયમો પાળવા બાબતે જાગૃત કરશે, એવી મારી અપીલ છે.
દાહોદ કોરોના એન્થમના નિર્માણમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.